મોરબીના ઝુલતા પુલ દુર્ઘટનાને સવા વર્ષ કરતા પણ વધારે સમય થવા આવ્યો હોવા છતાં હજુ પણ તે ઘટના મોરબીવાસીઓની નજર સામે ચાલતી રહે છે. તેમાં પણ ભોગ બનનાર પરિવારો હજુ પણ દુર્ઘટના માંથી બહાર આવ્યા નથી. કોર્ટ દ્વારા ભોગ બનેલ પરિવારની માનસિક સ્થિતિ અંગે તપાસ કરી સરકારને કોર્ટમાં રિપોર્ટ કરવા જણાવ્યું હતું જેનો રિપોર્ટ આજે સરકારે કોર્ટમાં રજૂ કર્યો હતો.
મોરબી દુર્ઘટના પગલે કોર્ટે સરકારને ભોગ બનેલ લોકોમાં માનસિક પરિસ્થિત અંગે રિપોર્ટ રજૂ કરવા આદેશ કર્યો હતો. જેના આધારે રાજ્ય સરકારે મોરબી વહીવટી તંત્રએ પરિવારની માનસિક સ્થિતિ અંગે તપાસ કરાવી હતી. જેમાં ૪ લોકોની માનસિક સ્થિતિ હજુ નાજુક હોવાનું સામે આવ્યું છે જે અંગેનું સોગંદનામું તેમજ તેને લગતા રીપોર્ટ અને દસ્તાવેજ આજે સરકાર દ્વારા કોર્ટમાં રજુ કરવામાં આવ્યા હતા. જે બાદ હાઈકોર્ટે ટકોર કરી હતી કે દુર્ઘટનામાં અસર ગ્રસ્ત પરિવારને સાચવવાની જવાબદારી ઓરેવા ગ્રુપની છે. તેમજ આ કેસની વધુ સુનવણી માટે આગામી ૨૬ મી ફેબ્રુઆરી નક્કી કરી છે. બીજી તરફ મોરબી સેસન્સ કોર્ટમાં પણ પીડિત પરિવાર દ્વારા ઝુલતા પૂલ દુર્ઘટનામાં ફરિયાદમાં આરોપીઓ વિરુદ્ધ 302ની કલમ ઉમેરવા અરજી કરી હતી જેના પર અગાઉ સુનવણી હાથ ધરાયા બાદ આજની મુદત આપવામાં આવી હતી જોકે ત્યાં પણ કોઈ પણ પ્રકારની દલીલ હાથ ન ઘરાતા આગામી ૬ ફેબ્રુઆરીના રોજ ફરી સુનવણી હાથ ધરવામાં આવશે તેવો હુકમ કરતા નવી મુદત પડી હતી.