સમગ્ર ભારતની સાથે ગુજરાત રાજ્યમાં પણ ઘર ઘર સુધી પહોંચી જરૂરિયાતમંદ લોકોને સરકારી યોજનાઓના લાભ અને યોજનાઓ વિશેની માહિતી પહોંચાડવાના હેતુથી વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. જે અન્વયે મોરબી તાલુકાના રંગપર (બેલા) ગામે રથનું આગમન થયું હતું. જ્યાં ગામમાં ઉત્સાહભેર રથને આવકાર આપી સ્વાગત કરવામાં આવ્યું હતું.
હાલ મોરબી જિલ્લામાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા ચાલી રહી છે. ત્યારે ગઈકાલે તા.5/12/2023 ના રોજ મોરબી તાલુકાના રંગપર (બેલા) ગામે આ યાત્રાના રથનું આગમન થતા સરપંચ તથા મોરબી ગ્રામ્ય મામલતદાર નિખિલ મહેતા તથા પંચાયત વિભાગના નોડલ ઓફિસરની હાજરીમાં લીડ બેંક સહિતના અન્ય તમામ વિભાગોના કર્મચારીઓએ હાજર રહી રથનું સ્વાગત કર્યું હતું. તેમજ સરકારની વિવિધ યોજનાઓનો લાભ મેળવેલ લાભાર્થીઓ સાથે સંવાદ કરવામાં આવેલ તેમજ સરકારની યોજનાઓનો લાભ મેળવવા પાત્ર કોઈપણ નાગરિક સહાયથી વંચિત ન રહે તેની મામલતદારે સ્થાનિક કર્મચારીઓને સાથે રાખી સમીક્ષા કરી હતી. આ તકે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાના એક શ્રમિક મહિલા લાભાર્થીએ ખૂબ જ ભાવુક શબ્દોમાં લાકડા, છાણા અને ચુલાના બદલે ગેસ કનેક્શન મફતમાં મળવાથી તેમના પરિવારમાં છવાયેલ આનંદ વિશે વાત કરેલ અને પ્રત્યુતરમાં મામલતદારે જણાવ્યું હતું કે, આ યાત્રાનો હેતુ છેવાડાના માનવી સુધી પહોંચવાનો છે અને તેમની સેવા માટે વહીવટી તંત્ર કટિબદ્ધ છે. આ તકે રંગપર પ્રાથમિક શાળાઓની બાળાઓએ ધ”રતી કરે પોકાર”ની વિશિષ્ટ કૃતિ રજૂ કરી પ્રાકૃતિક ખેતી માટેનો જાગૃતિ સંદેશ આપેલ હતો.









