રાજકોટ શહેરમાં એસ.ઓ.જી એ વર્ષ ૨૦૨૩માં નોંધપાત્ર કામગીરી કરી છે. જેમાં તેઓએ અનેક ગુન્હાઓનો ભેદ ઉકેલી કાઢયો છે. જ્યારે કેટલાક ગુન્હાઓ બનતા અટકાવ્યા પણ છે. આટલું જ નહિ તેઓ દ્વારા “SAY NO TO DRUGS” મિશન અંતર્ગત જાગૃતિ પણ ફેલાવી છે.
પોલીસ કમિશ્નર રાજુ ભાર્ગવ, જેસીપી વિધિ ચૌધરી, ડીસીપી ક્રાઈમ ડો. પાર્થરાજસિંહ ગોહિલ, એસીપી ક્રાઇમ બી.બી. બસિયાની સૂચના અનુસાર “SAY NO TO DRUGS” મિશન અંતર્ગત એસ.ઓ.જી પીઆઇ જે. ડી. ઝાલા અને તેમની સમગ્ર ટીમે ગત વર્ષે એનડીપીએસ એક્ટ હેઠળ કુલ ૧૭ કેસ દાખલ કરી ૨૦ આરોપીઓની સામે કાર્યવાહી કરી હતી. જેમાં મેફેડ્રોન, બ્રાઉન સુગર, એમ.ફેટામાઈન ડ્રગ્સ, ગાંજો અને કફ સીરપ મળી કુલ રૂા.૫૨.૨૩ લાખનો મુદામાલ કબજે કર્યો હતો. તેમજ પોલીસ દ્વારા જાહેર કરાયેલા આંકડા, મુજબ એસઓજીએ એનડીપીએસ એક્ટ ઉપરાંત હથિયાર અંગે સાત કેસ કર્યા હતા. જેમાં દસ આરોપી સામે કાર્યવાહી કરી પાંચ તમંચા, બે પિસ્ટલ અને ૩૨ કાર્ટીસ કબજે કર્યા હતાં. જ્યારે નાસતા ફરતા ૧૬ આરોપીઓને પણ ઝડપી પાડયા હતાં. વાહન ચોરીના ચાર ગુના ભેદ ઉકેલી ૬ વાહન કબજે કરી ચાર આરોપી સામે કાર્યવાહી કરી હતી. તેમજ એક ઘરફોડ ને ચારીનો પણ ભેદ ઉકેલ્યો હતો. આ ઉપરાંત ૨૮ જેટલા મોબાઇલ ચોરીના ગુનાના ભેદ ઉકેલાયા હતા. આ ઉપરાંત ભાડૂઆત અંગેના જાહેરનામાના ભંગ બદલ ૧૬૦, પથીક સોફટવેરના જાહેરનામાના ભંગ બદલ ચાર, હદપારી ભંગના ૩૨, ડ્રીન્ક એન્ડ ડ્રાઈવના ૧૭ અને ઈ-સીગારેટના બે કેસો કર્યા હતા અને ડ્રગ્સ અવેરનેસ અંગે શહેરની અલગ-અલગ કોલેજો અને સ્કૂલોમાં તેમજ રેલી સ્વરૂપે ૨૯ કાર્યક્રમ યોજ્યા હતા. જેમાં ૬૪૦૦ જેટલા છાત્રો જોડાયા હતાં.