મોરબી જિલ્લા પંચાયત વેરો વસુલાત કરવામાં સમગ્ર રાજ્યમાં પ્રથમ ક્રમાંકે આવ્યું છે. મોરબી જિલ્લાનાં ૫ તાલુકાની કુલ ૩૬૩ ગ્રામ પંચાયતનું કુલ ૨૩.૫૭ કરોડનું માંગણું હતું. જાન્યુઆરી-૨૪ અંતિત વસુલાત ૩૭ ટકા હતી જે ઘણી ઓછી હોવાના કારણે મોરબી જિલ્લા પંચાયત દ્વારા વસુલાત વધુમા વધુ થાય તે માટે ટીમની રચના કરવામાં આવી હતી. જેના કારણે માર્ચ-૨૦૨૪ અંતિત કુલ ૧૨.૬૪ કરોડની વસુલાત કરવામાં આવી છે. જેની ટકાવારી ૫૩.૬૪ ટકા થાય છે જે ગુજરાત રાજ્યમાં પ્રથમ ક્રમાંકે આવે છે….
મળતી માહિતી અનુસાર, મોરબી જિલ્લા પંચાયત દ્વારા વેરો વસુલાત કરવાની કામગીરી કરવામાં આવી હતી. જેમાં અલગ અલગ ટીમો બનાવી વેરો વસુલવામાં આવ્યો હતો. હળવદ તાલુકામાં ૧૦૦ ટકા વસુલાત વાળા હળવદ ગામો ૧૩, મોરબી માં ૮, વાંકાનેરમાં ૪, ટંકારામાં ૪, માળિયા માં ૧ મળી કુલ-૩૦ ગ્રામ પંચાયતોમાં ૧૦૦ ટકા વેરા વસુલાત થઈ છે. તેમજ ૮૦ ટકાથી વધુ વસુલાત વાળા ગામોમાં હળવદ માં ૩૭, મોરબીમાં ૨૨ માળિયામાં ૫, ટંકારામાં ૭, વાંકાનેરમાં ૧૮ મળી કુલ ગામો ૮૯ તેમજ ૫૦ ટકાથી વધુ વસુલાત વાળા ગામોમાં હળવદ માં ૨૭, માળિયામાં ૩૫, મોરબીમાં ૬૮, ટંકારામાં ૨૮ , વાંકાનેરમાં પર મળી કુલ ગામો ૨૧૦ ગામોનો સમાવેશ થાય છે. જેમાં વેરા વસુલાતનાં કારણે ૮૦ ટકાથી વધુ વસુલાતની ગ્રામ પંચાયતોને કુલ ૧.૨૩ કરોડની ગ્રાંટ મળશે. તેમજ મોરબી જિલ્લા પંચાયતના તલાટી મંત્રીઓની કાબિલે દાદ કામગીરીને કારણે વેરા વસૂલાતમાં મોરબી જિલ્લો સમગ્ર ગુજરાતમાં પ્રથમ નંબરે આવ્યો છે.