મોરબીની મચ્છુ નદીના પટમાં મોરબીની સ્વામીનારાયણ સંસ્થાએ ગેરકાયદે દીવાલ ચણતા વિવાદ સર્જાયો છે. ગેરકાયદે દીવાલની નગરપાલિકામાં અરજી થતાં સફાળું તંત્ર જાગ્યું છે. આ મામલે મોરબી કલેક્ટરે તપાસ સમિતિની રચના કરી હતી. જેમણે આજે પોતાનો અહેવાલ કલેક્ટરને સોંપ્યો છે. જેમાં મોટા ખુલાસા થયા છે.
મોરબીમાં મચ્છુ નદીના કાંઠે બની રહેલા સ્વામિનારાયણ મંદિરના બાંધકામ અને ત્યાં બનાવવામાં આવેલી દીવાલને લઈને પ્રશ્નો ઉભા થયા હતા. જે બાબતે ખુલાસો કરવા માટે સંસ્થા દ્વારા મંદિરના પટાંગણમાં પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં તેઓએ તેમની માલિકીની જગ્યામાં જ દીવાલ બનાવી હોવાનું તેઓએ જણાવ્યું હતું. ત્યારે હવે આ વાતને ખોટી પાડી તપાસ સમિતિએ પોતાનો અહેવાલ કલેક્ટરને સોંપ્યો છે. જેમાં BAPS સંસ્થાએ બાંધકામ હદ બહાર કર્યું હોવાનો DILR રિપોર્ટમાં ખુલાસો થયો છે. આટલું જ નહિ. નગરપાલિકાએ સોપેલાં રિપોર્ટમાં બાંધકામ નિયમ મુજબ ન થયું હોવાનું પણ જાણવા મળ્યું છે. જેને લઇ હવે અનધિકૃત બાંધકામ દૂર કરવામાં કલેકટરે ખાતરી આપી છે. જે બાંધકામ નદીના પ્રવાહને નડતર રૂપ હશે તે માટે સંસ્થાને જાણ કરી તે દૂર કરવામાં આવશે. તેમ કલેક્ટર દ્વારા જણાવવામાં આવ્યું છે.