વાંકાનેર શહેરમાં બે પડોશી પરિવારો વચ્ચે કચરા તથા વરસાદી પાણી માટે માટીના પાળા મુદ્દે વિવાદ સર્જાયો હતો. સામાન્ય બોલાચાલી, ગાળા-ગાળી બાદ બન્ને પરિવાર વચ્ચે મારામારી સુધી ઝઘડો પહોંચ્યો હતો. બંને પક્ષોના સભ્યોને ઈજાઓ થયા અંગે સામસામી ફરિયાદ નોંધાતા, વાંકાનેર સીટી પોલીસે ત્રણ મહિલા સહિત કુલ ૬ આરોપીઓ સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
વાંકાનેરના આરોગ્યનગર વિસ્તારમાં રહેતા પરેશભાઈ મહેશભાઈ પતલીયા ઉવ.૨૫ એ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી કે, પડોશી ઘરો વચ્ચે કચરો તથા વરસાદી પાણીના વહેણ માટે ઉભા થયેલા નાના માટીના પાળા અંગેના મામલે તેમની માતા સવીતાબેન અને ભાઈ અલ્પેશ સાથે પડોશમાં રહેતા આરોપી મંજુબેન જીવાભાઈ, કોમલબેન તથા રાહુલભાઈ જીવાભાઈ વચ્ચે બોલાચાલી થઈ હતી. વિવાદ દરમિયાન રાહુલભાઈએ પરેશભાઈને પકડીને ધક્કો મારી પ્રાઇવેટ પાર્ટ દબાવી રાખી મારપીટ કરી હતી. મંજુબેને લાકડાના ધોકા વડે તથા કોમલબેને ઢીકા પાટુ વડે પરેશભાઈને માર મારતા તેમને ઇજા પહોંચી હતી. તેમને વાંકાનેર હોસ્પિટલથી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા. બીજી તરફ, રાહુલભાઈ જીવરાજભાઈ માણસુરિયા ઉવ.૨૫ એ વળતી ફરિયાદ નોંધાવી છે કે ઝગડામાં તેમને પાડોશમાં રહેતા પતલીયા પરિવારના સવીતાબેન, અલ્પેશ તથા પરેશે હુમલો કર્યો હતો. અલ્પેશે લાકડી વડે માથામાં ઘા કરતા ફરિયાદી રાહુલભાઈને માથામાંથી લોહી નીકળ્યું હતું તેમજ વાસાના ભાગે પણ પથ્થર વાગતા ઈજા થઈ હતી. તેમને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા.
હાલ વાંકાનેર સીટી પોલીસે બંને પક્ષોમાં થયેલ મારામારીના બનાવમાં થયેલ સામસામી ફરિયાદમાં ત્રણ મહિલા સહિત કુલ છ આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.