ભારતના ચંદ્રયાન-૩નું ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સફળ લૅન્ડિંગ થઈ ગયું છે. ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઑર્ગેનાઇઝેશન (ઇસરો) આ પ્રયાસમાં સફળ રહેતા આવું કરનારો ભારત પ્રથમ દેશ બની ગયો છે. જ્યારે ચંદ્રના કોઈપણ ભાગમાં યાન ઉતારનાર તે ચોથો દેશ બની ગયો છે. આ પહેલાં માત્ર અમેરિકા, સોવિયત યુનિયન અને ચીનને જ આ સફળતા મળી છે. વડાપ્રધાન મોદીએ પણ દેશ સહિત તમામ લોકોને શુભેચ્છા પાઠવી હતી. ઈસરોના વૈજ્ઞાનિકોને મોટી સફળતા મળી છે. તો સમગ્ર દેશ અને દુનિયામાં વસતા ભારતીયોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. હાલ દુનિયાભરમાંથી ઈસરોના વૈજ્ઞાનિકો અને ભારતને શુભકામનાઓ મળી રહી છે.
ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન (ઇસરો) ના મહત્વાકાંક્ષી ત્રીજા ચંદ્ર મિશન ચંદ્રયાન-3 ના વિક્રમ લેન્ડરે બુધવારે સાંજે ચંદ્રની સપાટી પર ઉતરીને ઇતિહાસ રચ્યો હતો. ભારત આ સિદ્ધિ હાંસલ કરનાર ચોથો દેશ બની ગયો છે અને પૃથ્વીના એકમાત્ર કુદરતી ઉપગ્રહના દક્ષિણ ધ્રુવ સુધી પહોંચનાર પ્રથમ દેશ બન્યો છે, જે અત્યાર સુધી અસ્પૃશ્ય હતો. જેની ઉજવણીના ભાગ રૂપે સમગ્ર દેશમાં દિવાળી જેવો માહોલ થઈ ગયો છે. ઠેર ઠેર લોકો ઉજવણી કરતાં જોવા મળે છે. ક્યાક લોકો ફટાકડા ફોડતા જોવા મળે છે તો ક્યાક લોકો ગરબે ઘૂમતા જોવા મળ્યા હતા. ગત વખતની સરખામણીમાં આ વખતે લેન્ડરને વધુ સેન્સર સાથે વધુ મજબૂત બનાવવામાં આવ્યું છે. જેથી ચંદ્રયાન-૨ જેવી દુર્ઘટના ન થાય. આ વખતે વિક્રમ લેન્ડરમાં કેટલીક ખાસ ટેક્નોલોજી લગાવવામાં આવી છે.