બોગસ તબીબે ક્લિનિક ખોલી,ડીગ્રી વગર પ્રેકટીસ કરી લોકોના આરોગ્ય સાથે ચેડા કર્યા
મોરબી તાલુકાના લક્ષ્મીનગર ગામે શ્રીરામ ક્લિનિકમાં તાલુકા પોલીસે દરોડો પાડી એક બોગસ તબીબને ઝડપી લેવામાં આવ્યો છે, આ ક્લિનિકમાં મોરબીના ગોકુલ-મથુરા એપાર્ટમેન્ટમાં રહેતા ડીગ્રી વગરના ડોક્ટર દ્વારા દર્દીઓને એલોપેથી દવાઓ હેઠળ સારવાર કરતા રંગેહાથ ઝડપી લેવામાં આવ્યા છે, આ સાથે પોલીસે બોગસ ડોક્ટરની ક્લિનિકમાંથી એલોપેથી દવાઓનો જથ્થો જપ્ત કરી આરોપી બોગસ તબીબ સામે મેડિકલ પ્રેકટીશનરી એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
પ્રાપ્ત વિગતો મુજબ, મોરબી તાલુકા પોલીસ ટીમે પૂર્વ બાતમીને આધારે તાલુકાના લક્ષ્મીનગર ગામે અક્ષર પ્લાઝામાં શ્રીરામ ક્લિનિકમાં કોઈપણ જાતની ડીગ્રી વગર ડોક્ટર તરીકે પ્રેકટીસ કરતા હિતેશભાઇ કાનજીભાઇ કારાવડીયા(પટેલ) ઉવ.૪૨ રહે-મોરબી ગોકુલ મથુરા એપાર્ટમેન્ટ બી.૫૦૨ કેનાલ રોડ વાળાને ઝડપી લેવામાં આવ્યો છે. જે કોઇપણ પ્રકારની ડોક્ટરની ડીગ્રી વગર ગેરકાયદેસર રીતે બીમાર દર્દીઓની એલોપેથી દવાથી સારવાર કરી માણસોના આરોગ્ય સાથે ચેડા કરતો હોવાની પૂર્વ બાતમીને આધારે તાલુકા પોલીસ ટીમે ક્લિનિકમાં દરોડો પાડી એલોપેથીની અલગ અલગ દવાઓનો જથ્થો કિ.રૂ.૮,૧૩૯.૪૬/- ના મુદામાલ સાથે આરોપી બોગસ તબીબની ધરપકડ કરવામાં આવી છે, પોલીસે આરોપી વિરુદ્ધ મેડિકલ પ્રેકટીસનરી એક્ટ હેઠળ ગુનો દાખલ કરી વધુ તપાસની તજવીજ શરૂ કરી છે.