કોરોડોના હૂંડિયામણ રળી આપતા મોરબીમાં ગંદકી કલંક સમાન હોય સ્વચ્છ શહેર બનાવવા સહિયારા પ્રયાસની જરૂર : સંજય રાવલ
મોરબીઃ મોરબીમાં સેવાકીય પ્રવૃતિઓની સુવાસ ફેલાવનાર, જનહિતસેવા ફલકને વિશાળ કક્ષાએ ગૌરવ પ્રદાન કરનાર યંગ ઈન્ડિયા ગ્રુપના મેન્ટોર ડો. દેવેનભાઈ રબારીના જન્મદિવસ નિમિત્તે પ્રેરણાત્મક પાથેય સમા પારિવારિક મિલન પર્વ તથા અમૃતમંથન બોદ્વિક પર્વ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં ઉપસ્થિત રહેલા મોટિવેશન સ્પીકર સંજય રાવલે કોરોડોના હૂંડિયામણ રળી આપતા અને વિશ્વ કક્ષાએ નામના ધારવતા આવડા મોટા ઔદ્યોગિક શહેર મોરબીમાં ઊડતી ધૂળ અને ગંદકીને કલંક સમાન ગણાવી સમગ્ર શહેરને સ્વચ્છ બનાવવા તંત્ર, સંસ્થાઓની સાથે લોકોના પણ સહિયારા સહયોગની જરૂર હોવા પર ભાર મુક્યો હતો.
મોરબીના શનાળા રોડ પર સ્કાય મોલના બીજા માળે આવેલા તુલીપ બેન્કવેટ હોલ ખાતે ગઈકાલે યંગ ઇન્ડિયા ગ્રુપના સંસ્થાપક ડો, દેવેનભાઈ રબારીનો જન્મદિવસ હોવાથી તેમના જન્મદિવસની અનોખી ઉજવણીના ભાગરૂપે યંગ ઈન્ડિયા ગ્રુપ-મોરબી દ્વારા પારિવારિક મિલન પર્વ-અમૃતમંથન બોદ્વિક પર્વ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં બોદ્વિક પર્વના તજજ્ઞ વક્તા જાણીતા મોટીવેશનલ સ્પીકર સંજય રાવલ ઉપસ્થિત રહ્યા હતા. આ તકે તેમણે જણાવ્યું હતું કે,વિશ્વ કક્ષાએ સીરામીક નગરી તરીકે જાણીતું મોરબી સૌથી વધુ કમાઈ આપતું શહેર છે. ગુજરાતનો સૌથી મોટો હિસ્સો એકલું મોરબી કમાઈ આપે છે. કોરોડોનું હૂંડિયામણ રળી આપતા અને વિશ્વ કક્ષાએ બીજા નંબરના સીરામીક ઉધોગ ધરાવતા મોરબી શહેરમાં ઠેરઠેર ગંદકી અને ઊડતી ધૂળની ડમરીઓ અને ખરાબ રસ્તા ખરેખર દુઃખદ બાબત છે. ખરેખર જે રીતે વિશ્વમાં આ શહેરની નામના છે. એ પ્રમાણે મોરબી તનામ સુવિધા સાથે વિકસિત હોવું જોઈએ અને ગંદકી તો બિલકુલ હોવી ન જોઈએ, આખું શહેર સ્વચ્છ અને સુધડ હોવું જોઈએ તેવી ઉપસ્થિત નગરપાલિકાના પદાધિકારીઓ અને વિવિધ સંસ્થાઓ તેમજ અગ્રણીઓ અને બૌદ્ધિક વર્ગને ટકોર કરી હતી.
વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, શહેરમાં આજે તેઓ ફર્યા હતા અને ચારેકોર ગંદકી અને ઊડતી ધૂળ જોઈને આઘાત અનુભવ્યો હતો. ખરેખર આ શહેરની જે વાતો થઈ રહી છે તેમાનું અહીંયા કશું જ નથી. આવડા મોટા શહેરમાં ગંદકી હોવી તે કલંક સમાન બાબત છે. તેથી ગંદકી બાબતે એકબીજા ઉપર દોષારોપણ કરવાને બદલે આપણા શહેરની બહારથી આવેલી વ્યક્તિ ખોટી છબી લઈને જાય એ પહેલાં આ શહેરને સ્વચ્છ બનાવવા માટે તંત્રની સાથે સંસ્થાઓ, સામાજિક આગેવાનો, ડોક્ટરો, વકીલો સહિત તમામ બુદ્ધિજીવીઓ અને નગરજનો આગળ આવીને મારુ શહેર છે તેને પોતાનું ઘર સમજી ચોખ્ખું ચણાક રાખે તે જરૂરી છે. હવે આઝાદી માટે લડવાની જરૂર નથી. પણ આઝાદી ટકાવી રાખવા અને મોરબી શહેરને ગંદકીથી મુક્ત કરવા લડવાની જરૂર હોવાનું જણાવ્યું હતું. કાયમી સ્વચ્છ રહે તે માટે ગ્રુપ બનાવવા અને બીજી વખત તેઓ મોરબી આવે ત્યારે મોરબી સ્વચ્છ રહેશે તેવું લોકો પાસેથી વચન લીધું હતું.
આ કાર્યક્રમમાં મોરબીના યંગ ઈન્ડિયા ગ્રુપની અત્યાર સુધીની પ્રવૃત્તિઓની ઝલક રજૂ કરાઈ હતી. જેમાં યંગ ઈન્ડિયા ગ્રુપ દ્વારા અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે. જેમાં ખાસ કરીને રક્તદાનની મુહિમ ચલાવવામાં આવી રહી છે. યંગ ઈન્ડિયા ગ્રુપ દ્વારા અત્યાર સુધી હજારો જરૂરિયાતમંદ લોકોને લોહીની જરૂરિયાત પૂરી પાડવામાં આવી છે. કોરોનાકાળમાં યંગ ઈન્ડિયા ગ્રુપ દ્વારા કોવિડ કેર સેન્ટર પણ શરૂ કરવામાં આવ્યું હતું. છેલ્લા ઘણા વર્ષોથી યંગ ઈન્ડિયા ગ્રુપ વેલેન્ટાઈન ડેની ઉજવણી વાત્સલ્ય દિવસ તરીકે કરતું આવ્યું છે. આ વર્ષે વાત્સલ્ય દિવસે ઝુપડપટ્ટીના બાળકોને વૈભવી કારમાં ફેરવીને શ્રેષ્ઠ હોટેલમાં ભોજન કરાવ્યું હતું. આ ઉપરાંત મધર્સ ડે નિમિત્તે વૃદ્ધાશ્રમમાં માતાઓને સાડીનું વિતરણ પણ કરાયું હતું. આ ઉપરાંત યંગ ઈન્ડિયા ગ્રુપ દ્વારા લોકમેળો અને રાસોત્સવના આયોજન પણ કરવામાં આવે છે. તે સહિતની યંગ ઇન્ડિયા ગ્રુપની પ્રવૃત્તિઓની સરહના કરવામાં આવી હતી. આ તકે પૂર્વ મંત્રી બ્રિજેશભાઈ મેરજા, ડો. સતીશ પટેલ, ડો. સતીશ પટેલ, સીરામીક એસો. પ્રમુખો મુકેશ કુંડારિયા, વિનોદ ભાડ જા, હરેશ બોપલિયા,કિરીટ પટેલ, પૂર્વ પ્રમુખ નિલેશ જેતપરિયા, ક્લોક એસો. પ્રમુખ શશાંક દંગી, શિક્ષણ જગતમાંથી જયંતિભાઇ રાજકોટિયા, દિનેશભાઇ વડસોલા સહિતના સરકારી શાળાના શિક્ષકો, પત્રકાર મીત્રો અને પાલિકાના પદાધિકારીઓ, જીતુભા જાડેજા, દિલીપ અગેચણિયા, કાજલ ચંડીભમર સહિતના વકીલો, યંગ ઇન્ડિયા ગ્રૂપની મહિલા વિંગના સભ્યો સાહિત્ય અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.