રોડ ઉપર આડસ કે સિગ્નલ રાખ્યા વગર ઉભેલ ટ્રક પાછળ બાઇક અથડાતા પરિવારનો માળો વિખાયો
વાંકાનેર નેશનલ હાઇવે હસનપર ઓવરબ્રિઝ ઉપર કોઈ આડ્સ કે સિગ્નલ રાખ્યા વિના ઉભી રાખેલ ટ્રકના પાછળના ભાગે બાઇક અથડાતા બાઇક સવાર પતિ-પત્ની અને ૭ વર્ષીય બાળકી અકસ્માતનો ભોગ બન્યા હતા, જેમાં પિતા-પુત્રીને માથામાં ગંભીર ઇજાઓ પહોચતા બન્નેનું મૃત્યુ નીપજ્યું હતું. જ્યારે મૃતકની પત્નીને સામાન્ય ઇજાઓ પહોંચી હતી, હાલ પોલીસે ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ ચલાવી છે.
પ્રાપ્ત માહિતી મુજબ, વાંકાનેર તાલુકાના નવી રાતીદેવરી રહેતા મયુરભાઈ રમેશભાઈ પરબતાણી ઉવ.૨૪ તેમની પત્ની તથા ૭ વર્ષીય પુત્રી સાથે ગઈ તા.૨૨/૦૧ના રોજ મોટરસાયકલ રજી.નં. જીજે-૧૨-બીકે-૮૧૯૫ લઈને જતા હોય ત્યારે નેશનલ હાઇવે ઉપર હસનપર ઓવરબ્રિઝ ઉપર રોડ ઉપર ટ્રક રજી.નં. જીજે-૩૬-વી-૨૨૩૩ ના ચાલકે પોતાનો ટ્રકની આગળ પાછળ કોઈ આડ્સ કે સાઇટ સિગ્નલ રાખ્યા વિના ઉભો રાખેલ ટ્રકની પાછળ બાઇક ધડાકાભેર અથડાઈ અકસ્માત થયો હોય જેમાં મયુરભાઈ અને તેમની પુત્રીનું માથામાં ગંભીર ઇજાઓને કારણે મૃત્યુ નીપજ્યું હતું જ્યારે મયુરભાઈના પત્નીને માથામાં અને શરીરે સામાન્ય ઇજાઓ પહોંચી હતી, ત્યારે સમગ્ર અકસ્માત મામલે મૃતકના પિતા રમેશભાઈ પરબતાણી દ્વારા વાંકાનેર સીટી પોલીસ મથકમાં આરોપી ટ્રકના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી છે.