હળવદ તાલુકાના જુના ધનાળા ગામે આવેલ ખેતરમાં જીરુનો ઉભો મોલ હોય ત્યારે ત્યાં માલધારીને બકરા ચરાવવાની ના પાડતા ખેડૂત ભાઈઓ ઉપર લાકડાના ધોકા વડે હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. હાલ ભોગ બનનાર ખેડૂત દ્વારા બન્ને આરોપીઓ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે બન્ને આરોપીઓ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર, હળવદ તાલુકાના રાયસંગપુર ગામે રહેતા હરજીવનભાઈ શામજીભાઈ મકવાણા ઉવ.૪૭ એ હળવદ પોલીસ સમક્ષ આરોપી એવા હળવદ તાલુકાના મયુરનગર ગામે રહેતા ગૌતમભાઈ કરણાભાઈ રબારી તથા વરવીત ભાઈ ઉર્ફે વનીયો અમરાભાઈ રબારી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી કે ગઈ તા.૧૯/૦૨ ના રોજ હરજીવનભાઈ પોતાના ઘરે રાયસંગપુર ખાતે હોય ત્યારે તેમના નાનાભાઈ વિષ્ણુભાઈનો તેમને ફોન આવેલ કે જુના ધનાળા ગામની ખેતર વાડીએ ઉપરોકત આરોપીઓ તેમના બકરા ચરાવવા આવ્યા હોય ત્યારે બન્નેને એમ નહીં કરવાનું કહેતા બન્ને માલધારી દ્વારા ઝઘડો કરે છે, જેથી હરજીવનભાઈ જુના ધનાળા ગામે બંન્ને આરોપીઓને સમજાવવા જતા બન્ને આરોપીઓએ માથામાં લાકડાનો ધોકો મારી ઢીકાપાટુનો માર મારી બન્ને ખેડૂત-ભાઈઓને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી, દરમિયાન ફરિયાદી હરજીવનભાઈને માથામાં ફૂટ જેવી ઉજ અને શરીરે મૂંઢ ઇજાઓ પહોંચી હતી. હાલ પોલીસે બંને આરોપીઓ સામે ગુનો નોંધી તેમની અટકાયત સહિતની કાર્યવાહી હાથ ધરી છે.