હળવદ તાલુકાના સાપકડા ગામે ખેતરના શેઢે થાંભલા ખોડવા બાબતે થયેલી બોલાચાલીમાં પાડોશી ખેડૂતે લાકડાના ધોકાથી હુમલો કરતા ૫૭ વર્ષીય ખેડૂતને માથામાં ગંભીર ઈજા પહોંચી અને આઠ ટાંકા આવ્યા હતા. ઘટનાને પગલે ભોગ બનનારની ફરિયાદને આધારે આરોપી વિરુદ્ધ પોલીસે ગુનો નોંધી તપાસ ચલાવી છે.
હળવદ તાલુકાના સાપકડા ગામે ખેતરના શેઢે લાકડાના થાંભલા ખોડવા મુદ્દે પાડોશી ખેડૂત સાથે થયેલા વિવાદમાં હુમલાની ઘટના સામે આવી છે. જેમાં ફરિયાદી ઘનશ્યામભાઈ પરસોતમભાઈ મકવાણા ઉવ.૫૭ એ હળવદ પોલીસ મથકમાં આરોપી મનસુખભાઇ ઉર્ફે મુન્નાભાઈ કાનજીભાઈ મકવાણા રહે. સાપકડા ગામ તા.હળવદ વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. જે મુજબ, તેઓ તેમના ખેતરમાં કામ કરતા હતા ત્યારે તેમના ભાઈ અને ભત્રીજાઓ વાડીમાં રેઢીયાર પશુઓ ન આવે તે માટે શેઢે લાકડાના થાંભલા ખોડી રહ્યા હતા. આ દરમિયાન બાજુની વાડીના માલિક આરોપી મનસુખભાઈ ઉર્ફે મુનાભાઈએ આ થાંભલા કાઢવાનો પ્રયાસ કરતા બંને પક્ષ વચ્ચે બોલાચાલી થઈ હતી. જે બાદ આરોપી મનસુખભાઈએ ગુસ્સામાં આવી પોતાના હાથમાં રહેલા લાકડાના ધોકા વડે ફરિયાદી ઘનશ્યામભાઈના માથાના ભાગે ઘા મારી દેતા તેમને ગંભીર ઈજા પહોંચી હતી. બાદમાં પરિવારજનો તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં લઈ ગયા હતા, જ્યાં ડોક્ટરોએ માથામાં આઠ ટાંકા લીધા હતા. હાલ હળવદ પોલીસે આરોપી સામે ભારતીય ન્યાય સંહિતા કલમ તેમજ જીપી એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.









