હળવદ પંથકના ખેડૂતોએ બ્રાહ્મણી -૨ ડેમમાંથી ખેડૂતોને સિંચાઈ માટે પાણી આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. ડેમમાંથી પાણી આપવામાં આવે છે પરંતુ તેટલું પાણી તો પંપિંગ સ્ટેશનમાં ઉપડી જાય છે તેથી ખેડૂતોને પાણી ક્યારે ? તેવા સવાલો હળવદ પંથકના ખેડૂતો તંત્રને પૂછી રહ્યા છે.
હળવદ પંથકમાં આગોતરું વાવેતર કરવા માટે હળવદ ધાંગધ્રાના ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા દ્વારા નર્મદા કેનાલ ચાલુ કરવા માટે રજૂઆત કરવામાં આવી હતી. જે અનુસંધાને ત્રણે કેનાલ શરૂ કરવામાં આવી છે. પરંતુ ખેડૂતોના જણાવ્યા પ્રમાણે બ્રાહ્મણી ૨ ડેમમાં ૪૨ મીટરનું લેવલ થાય ત્યાર બાદ જ ખેડૂતો માટે પાણી છોડવામાં આવે પરંતુ જેટલું પાણી આવે છે તેટલું જામનગરને પીવા માટે પંપિંગ સ્ટેશન દ્વારા ઉપાડી લેવામાં આવે છે. ત્યારે હાલ ખેડૂતોને વાવણીની સિઝન હોય ખેડૂતોને તાત્કાલિક વધુ સિંચાઇનું પાણી છોડી હળવદ તાલુકાના નવા ધનાળા, સુરવદર, મયુરનગર, જુના દેવડીયા, નવા દેવડીયા, પ્રતાપગઢ સહિતના ખેડૂતોને આપવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે, વધુમાં ખેડૂતોએ જણાવ્યું છે કે કેનાલમાં વધુ પાણી છોડવામાં આવે અથવા થોડા દિવસ પંપિંગ સ્ટેશન બંધ કરી ખેડૂતોને વાવેતર માટે પાણી આપવામાં આવે તેવી ખેડૂતોએ માંગણી કરી છે.