દક્ષિણ ગુજરાતના ખેડુતોને ૧૦ કલાક વીજળી આપવા માટે થઇ રહેલા અન્યાયના પડધા છેક ગાંધીનગર સુધી સંભળાતા ગઈકાલે રાજય ઉર્જા મંત્રી કનુ દેસાઇએ દક્ષિણ ગુજરાતના ખેડુતોને ખેતીપાક બચાવવા માટે આઠ કલાકના બદલે ૧૦ કલાક વીજળી આપવાનો નિર્ણય જાહેર કરતા ખેડુતોમાં ખુશીની લહેર દોડી ગઇ હતી. ત્યારે આ અંગે દુર્લભજીભાઇ દેથરીયાએ ઉર્જા મંત્રીને રજૂઆત કરતા હવે મોરબીને પણ ૧૦ કલાક વિજળી મળશે.
ધારાસભ્ય દુર્લભજીભાઇ દેથરીયાના જણાવ્યા અનુસાર, તાજેતરમાં વરસાદ ખેંચાઈ જતા ખેડુતોના ઉભા પાકને બચાવવા માટે રાજય સરકાર દ્વારા ૧૪ જીલ્લાઓમાં ૮ કલાકની જગ્યાએ ૧૦ કલાક વિજળી આપવાના નિર્ણય કરેલ હતો. જે નિર્ણયને ધ્યાને લઈ ૬૬ ટંકારાના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાએ તારીખ ૩૧ ઓગષ્ટના રોજ રૂબરૂ રાજયના ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈને મળી મોરબી જીલ્લામાં પણ ખંડતોને વરસાદ ખેંચાતા પાકને બચાવવા ૮ કલાકના બદલે ૧૦ કલાક વિજળી પુરી પાડવા લેખિતમાં રજુઆત કરેલ હતી. જે રજુઆતને ધ્યાને લઈ ઉર્જા મંત્રીએ મોરબી જીલ્લાને પણ ૮ કલાકની જગ્યાએ ૧૦ કલાક વિજળી આપવાનો નિર્ણય કરેલ છે. જે તારીખ ૦૨ સપ્ટેમ્બર ૨૦૨૩ થી અમલવારી કરવામાં આવશે, તેવી ધારાસભ્યને ખાતરી આપેલ છે. આવતીકાલથી સમગ્ર જીલ્લામાં ખેડતોને પોતાના પાકને બચાવવા માટે ૮ કલાકના બદલે ૧૦ કલાક વિજળી મળશે. આ તકે દુર્લભજીભાઈ દેથરીયાએ ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ તથા ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈનો ખુબ ખુબ આભાર વ્યકત કરેલ છે.