વાંકાનેર બાઉન્ડ્રી નજીક સ્વીફ્ટ કારમાં આવેલ ચાર શખ્સોએ ટ્રાવેલ્સ બસ આંતરી બસના ચાલકને પૂર્વ નોકરીનો ખાર રાખી બેફામ માર મારવાની ઘટના અંગે વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા, પોલીસે આરોપીઓ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
રાજકોટના કોઠારીયા રોડ ખોડલધામ સોસાયટી ખાતે રહેતા હરેશભાઇ જગુભાઇ ડાભી ઉવ.૪૦ એ આરોપી લખાભાઈ રહે. રંગપર તા.વાંકાનેર તથા અજાણ્યા ત્રણ આરોપીઓ સહિત ચાર વિરુદ્ધ વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી કે, ફરિયાદી અગાઉ આરોપી લાખાભાઈની માતૃકૃપા ટ્રાવેલ્સની ઓફિસ હેઠળ ચાલતી ટ્રાવેલ્સ બસમાં ડ્રાઇવર તરીકે નોકરી કરતા હતા. બાદમાં નોકરી છોડીને અન્ય જગ્યાએ બસ ચલાવવા લાગ્યા હતા, જે બાબતનો ખાર રાખીને ગત તા.૦૭/૧૨ ના રોજ ફરીયાદી અને તેમના શેઠ પેસેન્જર બસ લઈને અમદાવાદથી રાજકોટ જઈ રહ્યા હતા. દરમિયાન વાંકાનેર બાઉન્ડ્રી ટોલનાકા પાસે પહોંચતા આરોપી લાખાભાઈ તથા ત્રણ અજાણ્યા ઇસમો સ્વીફ્ટ ફોર-વ્હીલર ગાડીમાં આવી બસની આગળ આડી ગાડી ઉભી રાખી દીધી હતી. ત્યારબાદ આરોપીઓએ ફરીયાદી હરેશભાઇને બસમાંથી ખેંચી નીચે ઉતારી લોખંડના પાઇપ, લાકડાના ધોકા તથા ઢીકા પાટુ વડે બેફામ માર મારી ફરિયાદીને શરીરે ગંભીર ઇજાઓ પહોંચાડી હતી. હાલ વાંકાનેર તાલુકા પોલીસે ચારેય આરોપીઓનો અટક કરવા ચક્રો ગતિમાન કર્યા છે.









