વાંકાનેર શહેરના મિલ પ્લોટ ડબલ ચાલીમાં રહેતા પિતા-પુત્રએ ઘરમાં વિદેશી દારૂનો જથ્થો રાખી વેચાણ કરતા હોવાની પૂર્વ બાતમીને આધારે વાંકાનેર સીટી પોલીસે રેઇડ કરી, આરોપી પિતાની વિદેશી દારૂ તથા બિયરના ટીન સાથે અટક કરી છે, જ્યારે દારૂ લાવનાર પુત્ર રેઇડ દરમિયાન હાજર નહિ મળી આવતા તેને ફરાર જાહેર કર્યો છે.
વાંકાનેર સીટી પોલીસે મળેલી બાતમીના આધારે મિલ પ્લોટ વિસ્તારમાં દરોડો પાડવામાં આવ્યો હતો. પોલીસ ટીમે ડબલ ચાલી વિસ્તારમાં રહેતા રાજેશભાઈ કાનજીભાઈ કોરડીયા ઉવ.૪૫ના રહેણાંક મકાનના આંગણામાં તપાસ કરતાં વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. જેમાં વિદેશી દારૂની ૬ બોટલ તથા બીયરના ૧૦ ટીન મળી કુલ રૂ.૮,૮૦૦/-નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. પૂછપરછ દરમિયાન રાજેશભાઈએ આ દારૂનો જથ્થો તેમના પુત્ર શ્રવણ ઉર્ફે મોટો રાજેશભાઈ કોરડીયા લાવતો હોવાનો અને પોતે તેનું છૂટક વેચાણ કરતો હોવાનો ખુલાસો કર્યો હતો. આ સાથે પોલીસે રાજેશભાઈ કોરડીયાની અટક કરી છે, જ્યારે પુત્ર શ્રવણ ઉર્ફે મોટો રાજેશભાઈ કોરડીયા ફરાર જાહેર કરી બન્ને આરોપી પિતા-પુત્ર સામે પ્રોહી એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.









