વાંકાનેર તાલુકા પોલીસે ચાર મહિલા સહિત સાત આરોપીઓ સામે ગુનો નોંધ્યો.
વાંકાનેર તાલુકાના સતાપર ગામે ઘર સામે કચરો નાખવા અને હનુમાનજીના ઓટે રોટલી મુકવા જેવી નજીવી બાબતે થયેલી બોલાચાલી હિંસક મારામારીમાં ફેરવાઈ હતી. આ ઘટનામાં એક મહિલાને માથા તથા શરીરે ઇજા પહોંચી હતી જ્યારે એક યુવતીના હાથની આંગળીમાં ફ્રેક્ચર થયું હતું. બંને પક્ષોની સામસામી ફરિયાદના આધારે વાંકાનેર તાલુકા પોલીસે ચાર મહિલા સહિત સાત લોકો સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
વાંકાનેર તાલુકાના સતાપર ગામે ગઈકાલ તા. ૧૫/૦૧/૨૦૨૬ના રોજ સવારના સમયે ઘર સામે કચરો નાખવા અને હનુમાનજીના ઓટે રોટલી મુકવાના મુદ્દે બે પાડોશી પરિવાર વચ્ચે ઉગ્ર ઝઘડો થયો હતો. પ્રથમ ફરિયાદમાં સારદાબેન રમેશભાઈ સારેસા ઉવ.૪૫ દ્વારા નોંધાઈ હતી, જેમાં આરોપી વિજયભાઈ સોમાભાઈ સારેસા, તેના ભાઈ રમેશભાઈ અને માતા માલુબેનને કચરો નાખવાની ના પાડતા તેમને ગાળો આપી ઢીકાપાટુનો માર માર્યો હતો. હુમલામાં સારદાબેનને માથા અને શરીરે મુંઢ ઇજાઓ પહોંચી હતી તેમજ તેમની દીકરી ઉરમીલાબેનના હાથની આંગળી મરડતા ફ્રેક્ચર થયું હતું, જેના કારણે તેણીની સારવાર ચાલુ છે.
સામાપક્ષે ફરિયાદી વિજયભાઈ સોમાભાઈ સારેસા ઉવ.૩૨ દ્વારા સમેપક્ષે ફરિયાદ નોંધાવવામાં આવી છે. તેમની ફરિયાદ મુજબ, હનુમાનજીના ઓટે રોટલી મુકવા ગયા ત્યારે આરોપી સારદાબેન અને તેમના પરિવારજનો દ્વારા બોલાચાલી કરી ગાળો આપવામાં આવી હતી અને પ્લાસ્ટિકના પાઇપ તથા લાકડી વડે હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં ફરિયાદી વિજયભાઈ, તેમના ભાઈ રમેશભાઈ અને માતા માલુબેનને મુંઢ ઇજાઓ પહોંચી હતી. બંને પક્ષોની ફરિયાદના આધારે વાંકાનેર તાલુકા પોલીસે ચાર મહિલા સહિત કુલ સાત આરોપીઓ સામે ગુનો નોંધ્યો છે. પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.









