મોરબી : કુરાન પાકની 26 આયાતને ફેરબદલ કરવાની સુપ્રીમમાં અરજી કરી ધાર્મિક લાગણી દુભાવનાર વસીમ રિઝવી સામે ગુનો દાખલ કરવા ધારાસભ્ય જનાબ સૈયદ મોહંમદ જાવેદ પીરઝાદા, ધારાસભ્ય જનાબ ગ્યાસુદ્દીન શેખ અને ધારાસભ્ય જનાબ ઇમરાન ખેડાવાલા દ્વારા આઈજીને રજુઆત કરવામાં આવી હતી.
રજુઆતમાં તેઓએ જણાવ્યું હતું કે કુરાને પાક અલ્લાહની કિતાબ છે. તેમાં એક આયાત તો શુ એક અક્ષરની પણ ફેરબદલ થઈ શકતી નથી. અલ્લાહ ત્આલાએ પોતે પોતાના પાક કલમની હિફાઝત કરવાની જવાબદારી લીધી છે. ત્યારે વિકૃત માનસિકતા ધરાવતા વસીમ રિઝવીએ લાગણી દુભાવવાના બદઇરાદાથી કુરાન પાકની પવિત્ર 26 આયાતનું ખોટું અર્થઘટન કરીને હટાવવા માટે સુપ્રીમ કોર્ટમાં યાચીકા દાખલ કરી છે.જેનાથી દેશભરના મુસ્લિમોની લાગણી દુભાઈ છે.
વધુમાં જણાવ્યું હતું કે ભારતીય બંધારણમાં કોર્ટને જે જ્યુડિશિયલ રિવ્યુના અધિકાર મળ્યા છે. તેમાં કોઈ પણ ધર્મની ધાર્મિક બાબતોને રદ કરવાના અધિકારનો સમાવેશ થતો નથી. જેથી સોશિયલ મીડિયામાં જે વીડિયો વાયરલ થયો છે. તેને પુરાવા રૂપે ગણી તેની સામે ધાર્મિક લાગણી દુભાવવા સબબ તાત્કાલિક એફઆઈઆર દાખલ કરવામાં આવે તેવી માંગ છે.