કહેવાતી સીરામીક સીટી મોરબીને વરસાદ બાદ પડેલા ખાડાઓએ બદસુરત કરી દીધુ છે. વરસાદ બાદ મોરબીના રોડ પર નીકળવું એટલે જોખમથી ઓછું નથી. જ્યાં સુધી તમે ઘરની બહાર છો ત્યાં સુધી તમારા જીવ પર ખતરો જ છે. આ મસમોટા ખાડા તમારા દુશ્મનો બની જાય છે. ત્યારે ખાડાની પારાયણને લઈને મોરબીવાસીઓ લડાયક મૂડમાં આવ્યા હતા અને શનાળા રોડ પર ચક્કાજામ કર્યો હતો. જો કે, ડેપ્યુટી કમિશ્નર સાથે ત્રણ કલાકની મથામણ બાદ તંત્ર સફાળું જાગ્યું હતું. અને તાબડતોબ ખાડા બુરવાનું કામ શરૂ કરાવ્યું હતું.
મળતી માહિતી અનુસાર, મોરબીમાં ખરાબ રોડ-રસ્તાઓને કારણે મોરબીવાસીઓ ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા, અને અંતે આંદોલનનો માર્ગ અપનાવ્યો હતો. જેમાં મોરબીની અવધ, શ્રીકુંજ, સરદાર સહિત 10 જેટલી સોસાયટીના સ્થાનિકોએ મોરબીના હજારો વાહનોની અવર જવર ધરાવતા અને અતિશય ખરાબ રોડ શનાળા રોડ પર ચક્કાજામ કર્યો હતો.
જેમાં સ્થાનિકોએ પૂઠાંનો રોલ પાથરી રોડ બનાવી વિરોધ નોંધાવતા કહ્યું હતું કે, તમારા ફાંદામાં કેટલું સમાય છે ? ફાંદો નાનો કરો, ટેક્ષ ભરી છીએ છતાં સુવિધા મળતી નથી. જો આવુંને આવું રહેશે તો વિસાવદર વાળી થતા કાઈ વાર નહી લાગે. ત્યારે સ્થાનિકોના ઉગ્ર વિરોધને કારણે અંતે મનપા ડેપ્યુટી કમિશ્નર સ્થળ પર આવવા મજબૂર થયા હતા, જો કે, સ્થાનિકોએ ડેપ્યુટી કમિશ્નરને તેમની પરિસ્થિતિ સમજાવવા ખાડા વાળા રોડના પગપાળા ચલાવ્યા હતા.
અને કામ શરૂ નહીં થાય ત્યાં સુધી ડેપ્યુટી કમિશ્નરને નહિં જવા દેવા ચીમકી ઉચ્ચારી હતી. ત્યારે લોકોનો રોષ જોઈ ડેપ્યુટી કમિશ્નરએ પોલીસ ચોકીનો આશરો લીધો હતો. ત્યારે લોકોના આક્રોશ સામે મનપા તંત્ર નમ્યું હતું અને મહાનગરપાલિકા તંત્ર અને આર એન્ડ બી વિભાગ દ્વારા તાબડતોબ ખાડા બુરવાનું શરૂ કરતા અંતે ત્રણ કલાક ચાલેલ આંદોલન સમેટાયું હતું. અને લોકોએ ચકાજામ દૂર કર્યો હતો. લોકોએ રસ્તા પર ઊતરી આવતા વર્ષોથી ન થયેલું કામ કલાકોમાં થયું હતું.