વાવાઝોડા સંદર્ભે વ્યવસ્થાઓમાં જિલ્લા વહિવટીતંત્રને સહકાર આપવા ઉદ્યોગપતિઓને મંત્રીએ અપીલ કરી
મોરબી જિલ્લામાં બિપરજોય વાવાઝોડાની અસર થવાની સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. ત્યારે આજરોજ બિપરજોય વાવાઝોડા અંતર્ગત નાણા મંત્રી કનુભાઈ દેસાઈએ જિલ્લાના ઉદ્યોગકારો સાથે બેઠક યોજી હતી.
આ બેઠકમાં મંત્રી કનુભાઈ દેસાઈએ ઉદ્યોગકારોને જણાવ્યું હતું કે, એલપીજીની પાઈપલાઇન ચાલુ રખાશે તો જે તે ઉદ્યોગપતિ જવાબદાર બનશે, જેથી સ્વૈચ્છિક રીતે બંધ રાખવા પણ તેમણે અપીલ કરી હતી. વાવાઝોડા સંદર્ભે વહીવટી તંત્રને સહયોગ આપવા તેમજ વહીવટી તંત્ર સાથે રહીને તમામ તૈયારીઓ કરવા ઉદ્યોગકારોને તેમણે જણાવ્યું હતું. સોલ્ટના ઉદ્યોગકારોને તેમણે મીઠાના આગરીયાઓ તેમજ મીઠા ઉદ્યોગમાં કામ કરતા લોકોને આજ સાંજ સુધીમાં ત્યાંથી હટાવી લેવા જણાવ્યું હતું.
ઉદ્યોગકારોએ તેમના ઉદ્યોગ હેઠળના લેબર્સ માટે નજીકની શાળાઓ ખાતે શિફ્ટિંગ માટે વ્યવસ્થા કરવા જણાવ્યું હતું. ઉપરાંત ગેસ કનેક્ટિવિટી તથા વીજ પુરવઠાની સ્થિતિ અંગેની વિગતો પણ સમાયસર આપવા જણાવ્યું હતું.
આ બેઠકમાં મંત્રી સાથે જિલ્લા કલેક્ટર જી.ટી. પંડ્યા, જિલ્લા વિકાસ અધિકારી ડી.ડી. જાડેજા, મોરબી-માળિયા ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, ટંકારા-પડધરી ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા, વાંકાનેર-કુવાડવા ધારાસભ્ય જીતુભાઈ સોમાણી, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક એન.એસ.ગઢવી, મોરબી પ્રાંત અધિકારી ડી.એ. ઝાલા, હળવદ પ્રાંત અધિકારી હર્ષદીપ આચાર્ય. વાંકાનેર પ્રાંત અધિકારી એ.એચ. સિરેશિયા, નાયબ જિલ્લા વિકાસ અધિકારી ઇલાબેન ગોહિલ તથા ઈશિતાબેન મેર, જિલ્લા પુરવઠા અધિકારી ડી.સી. પરમાર, એ.આર.ટી.ઓ. રોહિત પ્રજાપતિ તેમજ જિલ્લાના ઉદ્યોગપતિઓ ઉપસ્થિત રહ્યા હતા.