મોરબી પોલીસે રાજ્યવ્યાપી નકલી રેમડેસીવીરનો વેપલો કરતા ઇસમોને મોરબીથી પકડી પાડ્યા છે જેમાં બાદમાં અમદાવાદ સુરત સહિત અનેક જીલ્લાઓમાં તાર જોડાયા હતા : તમામ જગ્યાએ મોરબી પોલીસની ટીમે સ્થાનિક પોલીસને સાથે રાખી દરોડા પાડી કરોડોનો મુદામાલ જપ્ત કર્યો છે.
મોરબી એલસીબી પોલીસને માહિતી મળી હતી કે મોરબીના રાહુલ અશ્વિન કોટેચા અને રાજ હીરાણી નામના ઈસમો નકલી રેમડેસીવીરને અસલી બતાવી દર્દીઓના સ્વાસ્થય સાથે ચેડાં કરી ત્રણ થી પાંચ ગણા ભાવે વેપલો કરે છે ખાનગી બાતમીના આધારે મોરબી એલસીબી પીઆઈ વી બી જાડેજા એ મોરબી એસપી એસ આર ઓડેદરા તેમજ ટોચના અધિકારીઓ સાથે આ કૌભાંડ રાજ્યવ્યાપી હોવાની શંકા દર્શાવી હતી જેમાં ઉચ્ચ અધિકારીઓ દ્વારા પણ ઘટે તે કરવા પોલીસને સૂચના આપતા જ પીઆઈ વી બી જાડેજા એ જુદા જુદા પીએસઆઇ ની આઠ ટિમો અને પાંચ ડઝનથી પણ વધુ પોલીસકર્મીઓની ટીમોને કામે લગાડી અને ઓપરેશન રેમડેસીવીર પાર પાડવા કાવાયત હાથ ધરી હતી ગત તા. 29 એપ્રિલ જ આ કૌભાંડની જાણ પોલીસને થઈ હતી બાદમાં 30 એપ્રિલ આરોપીઓ ની પ્રાથમિક માહિતી ના આધારે મોરબી એલસીબી ટીમે સંવેદનશીલ રીતે માહિતી એકઠી કરવાની શરૂ કરી કેમ કે પોલીસને ખબર હતી કે આ કંઈક મોટું રંધાય છે પરન્તુ પુરાવા વિના બધું જ અધૂરું હતું રેન્જ આઈજી સંદીપ સિંહ અને મોરબીએસપી સુબોધ ઓડેદરા ડીવાયએસપી રાધિકા ભારાઈ તેમજ પીઆઈ વી બી જાડેજા સહિતની ટિમ આ ઓપરેશનની પળે પળની માહિતી મેળવી રહી હતી.જો કે મોરબી ક્રાઈમ બ્રાન્ચની ટિમ હજુ પણ કાઈ કાચું કાપવા નહોતી માંગતી એલસીબી ટીમે રાહુલ કોટેચા નો ઇતિહાસ જાણવા અને તેના ફોન લિસ્ટ સહિતની ગતિવિધિઓ પર ધ્યાન રાખવાનું શરૂ કર્યું
એ અરસામાં જ જેમ વાંદરો ઠેક મારવાનું ન ભૂલે તેમ આરોપી રાહુલ કોટેચા પાસે નકલી રેમડેસીવીર હોવાની માહિતી ક્રાઈમ બ્રાન્ચને મળતાની સાથે જ પોલીસે ૩૦ એપ્રિલ ના રોજ રાહુલ અશ્વિન કોટેચા અને રાજ હીરાણી ને ૪૧ નંગ રેમડેસિવીર કોઈ દર્દીની જિંદગી સાથે રમત રમવા પહોંચાડે એ પહેલાં જ પકડી પાડ્યા હતાં. જો કે આ વાત આટલેથી નહોતી અટકતી મોરબી પોલીસને ખબર હતી કે આ કૌભાંડ રાજ્યવ્યાપી છે પોલીસે ગણતરી ની મિનિટોમાં જ ઓપરેશન રેમડેસીવીર પર કામ કરવાનું શરૂ કરી દીધું હતું અને રાહુલ અશ્વિનભાઈ કોટેચા રહે રવાપર ઘુંનડા રોડ મોરબી અને રવિરાજ ઉર્ફે રાજ મનોજભાઈ હીરાણી રહે નવલખી રોડ મોરબી બાદ અનેક જગ્યાએ આવા નામ સામે આવ્યા મોરબી ક્રાઈમ બ્રાન્ચે તુરંત જ જુદી જુદી ટિમો ને અમદાવાદ સુરત ઓલપાડ સહિત તેમજ ત્યાંથી સ્થાનિક પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચને પણ આગાહ કરી દીધી.આ સમગ્ર કૌભાંડમાં મેડિકલ માફિયાઓને પકડવા અને ખુલ્લા પાડવા રાજ્યના ગૃહ મંત્રી પ્રદીપસિંહ જાડેજા અને ડીજીપી આશિષ ભાટિયા પણ જાતે મોનીટરીંગ કરી રહ્યા હતા કેમ કે જરા પણ ચૂક થાય તો આરોપીઓ હાથ માંથી નીકળી જાય તેમ હતા
જો કે આ બાદ વાંકાનેર તાલુકા પીએસઆઇ આર પી જાડેજાની ટીમે નકલી રેમડેસીવીરનું મેઈન હબ અને ફેકટરી એટલે સુરતના ઓલપાડ નજીક આવેલા એક ફાર્મ હાઉસ ખાતે દોરડા પાડી દીધા હતા અને પીએસઆઇ રામદેવસિંહ જાડેજાની ટીમે આ નકલી ઇન્જેક્શન કઈ રીતે બનાવે છે તેનું રિહર્સલ કરાવ્યું હતું બાદમાં ત્યાંથી જ મોટી રોકડ રકમ અને નકલી રેમડેસીવીર તેમજ બાયો મેડિકલ ચીજ વસ્તુઓ બનાવવાનો કાચો માલ સહિત પોણા ત્રણ કરોડનો મુદામાલ જપ્ત કરી ત્યાંથી સાત આરોપીઓની ધરપકડ કરી હતી જોત જોતામાં આ કૌભાંડ રાજ્યનો ટોક ઓફ ધ ટાઉન મુદ્દો બની ગયો હતો.આ સમયે મોરબી પોલીસની આ સતર્કતાએ અનેક દર્દીઓના જીવ બચાવ્યા છે અને હજુ પણ આરોપીઓએ કેટલા લોકોને અને ક્યાં ક્યાં આ નકલી જથ્થો આપ્યો છે એની તપાસ હાથ ધરી છે.હાલ સુધીમાં મોરબીમાં કે ક્યાંય પણ આવા નકલી રેમડેશીવીરથી કોઈનું મોત થયું હોય તો ફરિયાદ નોંધાવવા તેમજ અન્ય કોઈ મેડિકલ મામલે પોલીસમાં ફરિયાદ નોંધાવવા રાજ્યના ગૃહ મંત્રીએ લોકોને અપીલ કરી છે.મોરબી એસપી સુબોધ ઓડેદરાના જણાવ્યા અનુસાર હાલ સુધીમાં ૧૩ આરોપીઓની સંડોવણી ખુલી છે જેમાં મોરબી ના રાહુલ અશ્વિનભાઈ કોટેચા રહે રવાપર ઘુંનડા રોડ લોટસ એપાર્ટમેન્ટ મોરબી,રવિરાજ ઉર્ફે રાજ મનોજભાઈ હીરાણી રહે સેન્ટ મેરી સ્કૂલ નવલખી રોડ મોરબી,મહંમદ આશીમ ઉર્ફે મહંમદ આશિફ રઝીમભાઈ હુશેન કાદરી રહે જુહાપુરા વેજલપુર રોડ ,સરીફાબાદ સોસાયટી અમદાવાદ, કૌશલ મહેન્દ્રભાઈ વોરા રહે ગ્રીન ઓડીના આનંદ મહેલ રોડ અડાંજણ સુરત,પુનિત ગુણવંતલાલ સાફજૈન રહે બાલાજી હોટેલ પાસે મુંબઈની ધરપકડ કરી છે જ્યારે સીરાજખણ ઉર્ફે રાજુ મુસીરખાંન પઠાણ રહે કતાર ગામ સુરત અને કલ્પેશ મોહનભાઈ પ્રજાપતિ રહે મછીવાડ ભરૂચ વાળા નાસી છૂટ્યા છે જેને પકડવા પોલીસે જુદી જુદી ટિમો બનાવી શોધખોળ હાથ ધરી છે
સાથે જ તમામઆરોપીઓએ લોકોના જીવ સાથે ચેડાં કર્યાનું કૃત્ય કર્યું છે આથી તમામ વિરુદ્ધ આઈપીસીની કલમ ૩૦૮ ,૪૨૦,૧૨૦ બી,૩૪ ,૨૭૪ તથા આવશ્યક ચીજ વસ્તુઓ અધિનીયમની કલમ ૩/૭/૧૧ તથા ડિઝાસ્ટર મેનેજમેન્ટ એકટની કલમ ૫૩વી અને પાસા એક્ટ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે સાથે જ જો આગામી સમયમાં કોઈ વ્યક્તિનું ઇન્જેક્શન થી મોત થયાનું સામે આવશે તો તમામ આરોપીઓ વિરુદ્ધ ઈરાદા પૂર્વક મનુષ્ય સાપરાધ વધનો ગુનો પણ નોંધવામાં આવશે મોરબીમાં કોરોના કાળમાં લોકો એક બીજાની મદદ કરી રહ્યા હતા એ સમયે મોરબીના જ યુવકોએ મોરબીના લોકોના વિશ્વાસ સાથે ચેડાં કર્યા છે જેના લીધે મોરબીવાસીઓમાં પણ ભારે રોષ વ્યાપી જવા પામ્યો છે.હાલ મોરબી એસઓજી પીઆઈ જે એમ આલ સહિતની ટીમે આરોપીઓ વિરુદ્ધની તપાસનો ધમધમાટ શરૂ કરી દીધો છે ત્યારે આગામી સમયમાં પણ મોટા ખુલાસાઓ થાય તો તેમાં કોઈ શંકાને સ્થાન નથી તો બીજી બાજુ મોરબી પોલીસની કામગીરીથી રાજ્યભરમાંથી ઠેર ઠેર શુભેચ્છા પાઠવી અનેક લોકોના જીવ બચાવ્યા હોવાનો આભાર માન્યો છે.