મોરબીમાં શનાળા રોડ વોડાફોન સ્ટોર વાળી શેરીમાં આસ્થા-એ બિલ્ડીંગ ખાતે લિફ્ટમાં મહિલા ફસાયાનો કોલ મળતા ફાયર બ્રિગેડ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી. તપાસમાં જાણવા મળ્યું કે મહિલા લિફ્ટમાં નહીં પરંતુ ત્રીજા માળે બાલ્કનીમાં ફસાયાં હતાં. આ સાથે ફાયર ટીમે ભારી જહેમત બાદ દરવાજો તોડી સુરક્ષિત રીતે મહિલાને રેસ્ક્યુ કર્યા હતા.
મોરબી મહાનગરપાલિકાના ફાયર કન્ટ્રોલ રૂમમાં રાત્રે ૮:૨૦ કલાકે ૧૧૨ દ્વારા કોલ મળ્યો હતો કે આસ્થા-એ બિલ્ડીંગમાં લિફ્ટમાં એક મહિલા ફસાયા છે. કોલ મળતાં જ ફાયર બ્રિગેડની રેસ્ક્યુ ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. સ્થળ પર પહોંચી તપાસ કરતા જાણવા મળ્યું હતું કે મહિલા લિફ્ટમાં નહીં પરંતુ ત્રીજા માળે પોતાના ફ્લેટની બાલ્કનીમાં ફસાયા હતા. બાલ્કનીના દરવાજાનો લોક બગડી જતાં દરવાજો લોક થઈ ગયો હતો અને નિતાબેન ભરતભાઈ જોશી ઉવ.૫૨ નામના મહિલા બહાર બાલ્કનીમાં જ અટવાઈ ગયા હતા. પ્રથમ ફાયર ટીમે બહારથી સીડી લગાવી બચાવ કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ બાલ્કનીમાં લગાવેલી જાળીના કારણે મુશ્કેલી ઉભી થઈ હતી. ત્યારબાદ ફાયર ટીમ ઉપર પહોંચી ફાયરમેન એક્સ અને ક્રોબારની મદદથી પાછળનો દરવાજો તોડી મહિલાને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા.
સદભાગ્યે મહિલાને કોઈ ઇજા પહોંચી નથી અને તેઓ સંપૂર્ણપણે સુરક્ષિત છે. પ્રાથમિક માહિતી મુજબ પરિવાર તાજેતરમાં જ રાજકોટથી અહીં રહેવા આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. ત્યારે સમગ્ર માહિતી મોરબી ફાયર બ્રિગેડના ચીફ ફાયર ઓફિસર જયેશભાઈ ડાકી દ્વારા આપવામાં આવી હતી.









