હોળી-ધુળેટીના પર્વ દરમિયાન મોરબી ફાયર વિભાગ સ્ટેન્ડબાય રહી સક્રિય કામગીરી કરી હતી. જેમાં હળવદ અને ઊંચી માંડલ પાસે કેનાલમાં ડૂબી જવાના બે અલગ અલગ બનાવોમાં હળવદ કેનાલમાંથી યુવકનો મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો, જ્યારે ઉંચી માંડલમાં કેનાલમાં રાજસ્થાની શ્રમિકની હજુ શોધખોળ ચાલુ છે. તેમજ લીલાપર સ્મશાન સામે મકાનમાં લાગેલી આગ પર સમયસર કાબુ મેળવી ગેસ સિલિન્ડર બહાર કાઢતા મોટી દુર્ઘટના ટળી હતી. ફાયર વિભાગે નાગરિકોને સાવચેતી રાખવા અનુરોધ કર્યો છે.
હોળી-ધુળેટીના દિવસે તહેવારની ઉજવણી વચ્ચે મોરબી ફાયર વિભાગ સતત સ્ટેન્ડબાય રહી વિવિધ ઇમરજન્સી કોલ પર તાત્કાલિક કામગીરી કરી હતી. જેમાં સવારે ૧૧.૫૦ કલાકે હળવદ તરફથી રેસ્કયૂ કોલ મળ્યો હતો. પ્રાપ્ત વિગતો મુજબ હળવદના કણબીપરા વિસ્તારમાં રહેતા જયસુખભાઇ દિલાભાઈ પટેલ ઉંમર અંદાજે ૪૦-વર્ષ વનવગડો હોટલ પાછળની કેનાલમાં કોઈ કારણસર ડૂબી ગયા હતા. માહિતી મળતા જ ફાયર ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ભારે જહેમત બાદ કેનાલના પાણીમાંથી મૃતદેહ બહાર કાઢ્યો હતો. ત્યારબાદ મૃતદેહને સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યારે બપોરે ૩.૨૧ કલાકે ૧૧૨ કંટ્રોલ રૂમ મારફતે ફાયર કંટ્રોલ રૂમ મોરબીને વધુ એક રેસ્કયૂ કોલ મળ્યો હતો કે ઉંચી માંડલ પાસે રાજસ્થાનના એક શ્રમિક વ્યક્તિ કેનાલમાં ડૂબી ગયા છે. જેથી મોરબી રેસ્કયૂ ટીમ હળવદ પહોંચ્યા બાદ ત્યાંથી ઉંચી માંડલ તરફ રવાના થઈ હતી. ટીમે સ્થળ પર પહોંચી કેનાલમાં રાજસ્થાની ભાઈની શોધખોળ શરૂ કરી હાલ હજુ શોધખોળ ચાલુ હોય. આ સિવાય સાંજે ૭.૪૦વાગ્યે ૧૦૧ ફાયર કંટ્રોલ રૂમને લીલાપર સ્મશાન સામે એક મકાનમાં આગ લાગ્યાનો કોલ મળ્યો હતો. મોરબી ફાયર ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી લાઈટ કટ-ઓફ કરી પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો. આગ દરમિયાન મકાનમાંથી ગેસ સિલિન્ડર સુરક્ષિત રીતે બહાર કાઢતા મોટી દુર્ઘટના થતા અટકાવી શકાઈ હતી.
આ સાથે ફાયર વિભાગે તહેવારો દરમિયાન નાગરિકોને ખાસ સાવચેતી રાખવા અપીલ કરી છે. ઘર બંધ કરીને બહાર જતાં પહેલાં ગેસ લાઇન અને ઇલેક્ટ્રિક સપ્લાય બંધ કરવાની સલાહ આપવામાં આવી છે, જેથી આગ જેવી અનિચ્છનીય ઘટનાઓ અટકાવી શકાય.









