મોરબીના ચકચારી હત્યા કેસમાં પોલીસે કાર્યવાહી કરી મુખ્ય સૂત્રધાર સહિત પાંચ આરોપીઓને ધરપકડ કરી છે, જ્યારે બે આરોપી હજુ ફરાર હોવાનું જાણવા મળ્યું છે. પૂર્વ આયોજનબદ્ધ કાવતરું રચી અપહરણ બાદ હત્યા કરાયાની વિગતો સામે આવી છે.
મોરબી શહેરમાં બનેલા આ હત્યા કેસ અંગે મોરબી પોલીસ દ્વારા સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી. ડીવાયએસપી જે.એમ. આલે સત્તાવાર માહિતી આપતા જણાવ્યું હતું કે, તાજમહમંદભાઈ ગુમ થયાની નોંધ થયા બાદથી જ પોલીસ શકમંદો પર સતત નજર રાખી રહી હતી. તપાસ દરમિયાન બાલુભાઈ થોભણભાઈ અઘારાની કડક પૂછપરછ કરતાં તેણે ગુનાની કબૂલાત કરી હતી. જમીનના સોદામાં આપેલા રૂ. 5 લાખ પરત મેળવવા તથા દસ્તાવેજ બાબતે ચાલી રહેલી માથાકૂટને અંત આપવા પૂર્વ આયોજિત ષડયંત્ર રચાયું હોવાનું ખુલ્યું હતું. તપાસ દરમ્યાન પોલીસે બાલુભાઈ થોભણભાઈ અઘારા, થોભણભાઈ ઘેલાભાઈ અઘારા, રમેશભાઈ અરજણભાઈ અઘારા, વિશાલ રમેશભાઈ વાધડીયા અને જયદિપભાઈ કાનાભાઈ સેરશીયા સહિત પાંચ આરોપીઓને ઝડપી પાડ્યા છે. જ્યારે ભાવેશ થોભણભાઈ અઘારા અને જીતેશભાઈ બાલુભાઈ જાલરીયા હાલ પોલીસ પકડથી દૂર હોવાનું જણાવાયું છે અને તેમની શોધખોળ માટે અલગ-અલગ ટીમો કાર્યરત કરવામાં આવી છે.
પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, આરોપીઓએ મળીને તાજમહમંદભાઈનું અપહરણ કરી ભડિયાદ નજીક આવેલા એક ફાર્મહાઉસ ખાતે લઇ જઈ ઢોર માર માર્યો હતો,જેના કારણે તેમનું મોત નિપજ્યું હતું.બાદમાં પુરાવા નાશ કરવા લાશને પીપળી રોડ પર આવેલ શિવાય કોલ નામના કારખાને લઈ જઈ કારખાનાના પટાંગણમાં લાશને સળગાવી દાટી દેવામાં આવી હતી અને તેની ઉપર સિમેન્ટનો સ્લેબ ભરી દેવામાં આવ્યો હતો.આ ગુનામાં પિતા, પુત્ર, ભાઈ, ભત્રીજા અને જમાઈ જેવા સગા સંબંધીઓ સામેલ હોવાનું પણ ખુલ્યું છે.હાલ પોલીસે આરોપીઓના રિમાન્ડ મેળવવાની કાર્યવાહી હાથ ધરી છે.હત્યામાં વપરાયેલા પ્લાસ્ટિકના પાઈપ, લાકડાના બડીકા તેમજ અપહરણ અને લાશ નિકાલ માટે ઉપયોગમાં લેવાયેલા વાહનો કબજે કરવાની પ્રક્રિયા પણ ચાલુ છે.સમગ્ર મામલે ઝીણવટભરી તપાસ શરૂ કરવામાં આવી છે.









