મોરબી જીલ્લાના વિવિધ વિસ્તારોમાં એક જ દિવસમાં અપમૃત્યુના પાંચ બનાવો બન્યા છે. જેમાં વાંકાનેર નજીક ગેસ ચુલાથી દાઝી ગયેલા અજાણ્યા પુરુષનું, સરતાનપર રોડ પર રહેતા યુવાનનું ગળાફાંસો ખાઈને, મોરબી તાલુકાના લુંટાવદર ગામે ૧૧ વર્ષની બાળકીનું ઝેરી દવા પી જવાથી, ભડીયાદની પેન્ઝોન સીરા.કોલોનીમાં ૩૨ વર્ષીય યુવકનું ગળાફાંસો ખાઈને તથા હળવદના કવાડીયા ગામે ૨૬ વર્ષીય યુવાનનું કરંટ લાગવાથી મોત નિપજ્યા છે. પોલીસે અ.મોતની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
અપમૃત્યુના પ્રથમ બનાવમાં વાંકાનેર તાલુકાના ચંદ્રપુર ગામે તા.૧૬/૦૯ના રોજ આશરે ૪૫ વર્ષના અજાણ્યો પુરુષ ગેસનો ચુલો ચાલુ કરતાં શરીરે દાઝી ગયો હતો. જેથી તેને પ્રથમ સારવાર માટે વાંકાનેર બાદ રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તા. ૨૬ સપ્ટેમ્બરે તેમનું ચાલુ સારવાર દરમિયાન મૃત્યુ નિપજયું હતુ.
બીજા અપમૃત્યુના બનાવમાં વાંકાનેર તાલુકાના સરતાનપર રોડ પર ટીટા સેનેટરી વેર કારખાનાના ક્વાર્ટસ રહેતા મંહમદ મુર્તૃજા છોટન અંસારી ઉવ.૨૮ એ પોતાના ક્વાર્ટરમાં ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા, તેમને મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે લાવતા જ્યાં ફરજ પરના ડૉક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા.
જ્યારે અપમૃત્યુની ત્રીજી ઘટનાની પ્રાપ્ત વિગત અનુસાર, વિશનાબેન ગનીયાભાઈ બામનીયા ઉવ.૧૧ રહે. લુંટાવદર ગામે વાડાના ઝુપડામાં રહેતા હોય. જ્યાં તેણીએ તા.૨૭/૦૯ના રોજ કોઈ કારણસર ઝેરી દવા પી લીધી હતી. સારવાર માટે મોરબી સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી, જ્યાં સારવાર દરમ્યાન તેણીનું મોત થયું હતું.
મોરબીના ભડીયાદ ગામે પેન્ઝોન સીરામીકના લેબર કોલોનીમાં રહેતા પાલસીંગ બ્રિજરાજસીંગ ઉવ.૩૨ ગઈકાલ તા.૨૭/૦૯ના રોજ પોતાના રૂમમાં ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. જ્યાંથી મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે લાવતા ફરજ ઉપર હાજર ડૉક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા.
હળવદ તાલુકાના કવાડીયા ગામે વિશાલભાઈ ભડાણીયાની વાડીએ રહેતા તળશીભાઇ રાઘુભાઇ શિહોરા ઉવ.૨૬ ગત તા. ૨૬/૦૯ના રોજ વાડીએ મોટર બંધ કરવા જતા ઇલેક્ટ્રિક શોર્ટ લાગતા મોતને ભેટ્યા હતા. ત્યારે હળવદ પોલીસે મૃતકના પત્ની મનીષાબેન પાસેથી મૃત્યુ અંગેની પ્રાથમિક વિગત મેળવી હતી.
મોરબી પોલીસે તમામ અપમૃત્યુના બનાવોમાં અ. મોતની નોંધ દાખલ કરી આગળની તપાસ ચલાવી છે.