મોરબી જિલ્લામાં છેલા ચોવીસ કલાકમા અપમૃત્યુ ના પાંચ કેસ સામે આવ્યા છે જેમાં કાર અને મોપેડ વચ્ચેના અકમસ્તમાં આધેડનું મોત નીપજ્યું હતું જ્યારે અકસ્માત અને આપઘાતના કેસમાં વધુ ચાર વ્યક્તિ કાળનો કોળીઓ બન્યા હોવાનું જુદા જુદા પોલીસ મથકેથી જાહેર થયું છે.
હળવદથી માળીયાને જોડતા માર્ગ પર આવેલ અણીયારી ટોલનાકા નજીકની ધૈર્ય હોટલની સામે કાર અને મોપેડ વચ્ચે અકસ્માત થયો હતો. રોડ પર પુરપાટ વેગે આવતી હુંડાય કંપનીની વરના કાર રજી.નં-GJ-05-JP-4777ના ચાલકે સ્ટેરિંગ પરનો કાબૂ ગુમાવી દેતા કાર મોપેડ રજી.નંબર-GJ-03-EK-9168 ના ઠાઠામા ભટકાઈ હતી. આ અકસ્માતમાં મોપેડ ચાલક પ્રેમજીભાઈ થોભણભાઈ જાકાસણીયા નામના ૬૫ વર્ષીય આધેડને માથાના ભાગે ગંભીર ઈજા થતા તેનું કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું. જેને પગલે પરિવારમાં કાળો કલ્પાંત છવાયો છે.આ બનાવ અંગે મૃતકના પુત્રએ માળીયામીંયાણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે કાર્યવાહી આગળ ધપાવી છે.
મોરબી તાલુકા પોલીસ મથકેથી જાણવા મળતી વિગત અનુસાર મોરબી તાલુકાના કેરાળા(હરીપર) ગામે જીતેન્દ્રભાઇ ચારોલાની વાડીએ રહેતા લલીતાબેન કમલેશભાઇ મકવાણા નામની ૧૬ વર્ષીય તરુણીએ કોઈ પણ કારણોસર વાડીની બાજુમાં આવેલ વાડીમા લીંબડાના ઝાડ સાથે દોરડા વડે ગળે ફાંસો ખાઇ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જેમાં તેનું મોત નીપજ્યું હોવાનું જાહેર થયું હતું. આ બનાવને લઈને પરિવાર શોકમાં ગરકાવ થયો છે.આ અંગે મોરબી તાલુકા પોલીસ વધુ તપાસ ચલાવી રહી છે.
વધુમાં અપમૃત્યુ અંગે બીજા કેસ માં મોરબી તાલુકા પોલીસ ચોપડે નોંધાયેલ વિગત અનુસાર મોરબીના સોરીસો ચોકડી નજીક લાઇકોસ બાથવેર નામના કારખાનામાં રહેતા હકરીયાભાઇ ટેટીયાભાઇ ભાબોર નામના ૨૮ વર્ષીય યુવાન કામ કરી રહ્યા હતા આ દરમિયાન કારખાનાની આશરે પંદરથી વીસ ફુટ જેટલી ઉંચી દિવાલ પરથી અકસ્માતે પડી જતા તેને ગંભીર ઇજા થવા પામી હતી. જે ઇજા જીવલેણ નિવડતા તેનું મોત નીપજ્યું હતું. આ અંગે મોરબી તાલુકા પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.
જયારે અપમૃત્યુ ના ત્રીજા બનાવ માં મોરબી તાલુકા પોલીસ મથકેથી જાહેર થયેલ વિગત અનુસાર મોરબીના રફાળેશ્વર ગામે મહાદેવના મંદિર નજીક રહેતા નીતાબેન મુકેશભાઇ મકવાણા (ઉ.વ.૨૮) એ અગમ્ય કારણોસર પોતાના ઘરે ગળેફાંસો ખાઇ મોત વ્હાલું કરી લીધુ હતું. આ અંગે તેણીનાં પતિ મુકેશભાઇએ મૃતદેહને મોરબી સરકારી હોસ્પિટલ ખાતે લઇ આવતા ફરજ પરના તબીબે તેણીને મૃત જાહેર કરતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
વધુમાં અકસ્માતે મોત અંગે માળીયામીંયાણા પોલીસમાંથી જાહેર થયેલ વિગત અનુસાર માળીયાના વેજલપર ગામે રહેતા મૂળ છોટાઉદેપુરના ગોરધનભાઈ દિવાલીયાભાઈ નાયકનો કામ ધંધો ચાલતો ના હોવાથી આ બાબતે તેની પત્ની સાથે તેઓને સામાન્ય બોલાચાલી થઇ હતી. જે બાબતે મનમાં લાગી આવતા યુવાને સુરેશભાઈ ચંદુભાઈ પટેલની વાડીએ ઝેરી દવા પી આયખું ટૂંકાવવા નો પ્રયાસ કરી લીધો હતો જેની જાણ થતા તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જ્યા સારવાર દરમિયાન તેનું મોત થયું હોવાનું સામે આવ્યું હતું. આથી પોલીસે કાર્યવાહી આગળ ધપાવી છે