મોરબી સીટી એ ડિવિઝન પોલીસની સતર્કતા, કોઈ મોટા ગુનાને અંજામ આપે તે પહેલા તલવાર તથા ચાર છરી સાથે પાંચને દબોચ્યા
મોરબી સીટી એ ડિવિઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન મોરબીના અત્યંત ભીડભાડવાળા અને ટ્રાફિકથી ધમધમતા એવા શનાળા રોડના નવા બસ સ્ટેન્ડ સામેથી શંકાસ્પદ હાલતમાં ઉભેલ પાંચ ઇસમોની તલાસી લેતા દરેક પાસે પ્રાણઘાતક હથિયારો મળી આવ્યા હતા, જેમાં પાંચ પૈકી એક પાસે તલવાર તેમજ અન્ય ચાર પાસેથી પેન્ટના નેફામાં છુપાવી રાખેલ છરી એમ કુલ પાંચ હથિયાર સાથે પાંચ ઇસમોને કોઈ ગુન્હાહિત પ્રવૃત્તિને અંજામ આપે તે પહેલાં દબોચી લેવામાં આવ્યા હતા.
મોરબી સહિત હાલ દેશમાં દિવાળીના મહાપર્વની ઉજવણી અનુસંધાને જીલ્લા પોલીસ સતત પેટ્રોલિંગમાં રહી લોકોની શાંતિ અને સુરક્ષા માટેની પ્રતિબદ્ધતામાં હોય ત્યારે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ દિવસ-રાત સતત ખડેપગે રહી શહેર તથા સમાજમાં લોકો તહેવારોની ભયમુક્ત વાતાવરણમાં ઉજવણી કરે તે માટે સતત પ્રયત્નશીલ હોય ત્યારે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ ટીમની સતર્કતાથી મોરબી શહેરના નવા બસ સ્ટેન્ડની સામે બાપાસીતારામ મઢુંલીની બાજુમાં શંકાસ્પદ રીતે ઉભેલ પાંચ ઈસમોની અંગ ઝડતી લેતા તેમની પાસેથી પ્રાણઘાતક હથિયારો મળી આવ્યા હતા ત્યારે પાંચેય આરોપીઓ ગેરકાયદેસર રીતે મંડળી રચી કોઈ મોટા ગુનાને અંજામ આપે તે પહેલાં પોલીસે પાંચેય આરોપીઓને પકડી લેવામાં આવ્યા છે.
જેમાં આરોપી રહીમભાઈ ઈશાકભાઈ નોતીયાર ઉવ.૩૪ રહે.કુલ્લીનગર-૨ વાડી વિસ્તાર, રફીકભાઈ ઈશાભાઈ નોતીયાર ઉવ.૨૭ રહે.કુલ્લીનગર-૨ વાડી વિસ્તાર, સીદીકભાઈ ગફુરભાઈ માણેક ઉવ.૨૭ રહે.વીસીપરા હુશૈની ગેટ અંદર, ચિરાગભાઈ નિલેશભાઈ ગૌસ્વામી ઉવ.૩૦ રહે.કુબેરનગર શેરી નં.૫ તથા અલ્તાફશા ગુલાબશા શાહમદાર ઉવ.૨૨ રહે.વીસીપરા પવિત્ર કુવા પાસે મોરબીવાળા પાસેથી એક તલવાર તથા ચાર છરીઓ મળી આવી હતી જેથી પાંચેય આરોપીઓની અટકાયત કરી તેની સામે ગુનો નોંધી આગળની તપાસની તજવીજ હાથ ધરી છે.