પોલીસ, એસઆરપી, જીઆરડી અને હોમગાર્ડના જવાનો દ્વારા વિશેષ બંદોબસ્ત ગોઠવાયો.
વાંકાનેર નગરપાલિકા અને તાલુકા પંચાયત ચૂંટણી અનુસંધાને મોરબી જીલ્લા પોલીસ દ્વારા ફ્લેગ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું. પોલીસ, એસઆરપી, જીઆરડી અને હોમગાર્ડના જવાનોએ ફુટ પેટ્રોલિંગ કરી શહેરમાં સુરક્ષાનું આકલન કર્યું હતું. ત્યારે ચૂંટણી શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થાય તે માટે વિશેષ પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.
વાંકાનેરમાં આગામી દિવસોમાં નગરપાલિકા અને તાલુકા પંચાયતની ચૂંટણી યોજાનાર હોવાથી શાંતિ અને સુરક્ષાને ધ્યાનમાં રાખી મોરબી જીલ્લા પોલીસ દ્વારા ફ્લેગ માર્ચ યોજવામાં આવ્યું હતું. આ ફ્લેગ માર્ચ દરમિયાન પોલીસ, એસઆરપી, જીઆરડી અને હોમગાર્ડના જવાનોએ શહેરના મુખ્ય વિસ્તારોમાં ફુટ પેટ્રોલિંગ કર્યું હતું.
વાંકાનેર વિભાગના ડીવાયએસપી સારડાએ માહિતી આપતાં જણાવ્યું હતું કે, ચૂંટણી દરમિયાન કુલ ૧ ડીવાયએસપી, ૩ પીઆઇ, ૭ પીએસઆઇ, ૭૦ પોલીસ જવાનો અને ૫૨ જેટલા જીઆરડી-હોમગાર્ડના જવાનો સાથે એસઆરપીની ટુકડી બંદોબસ્ત માટે ગોઠવવામાં આવી છે. ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં યોજાય તે માટે પોલીસ દ્વારા સ્ટ્રેટેજિક પેટ્રોલિંગ, ચેકપોસ્ટ પર સઘન ચકાસણી, તેમજ સંવેદનશીલ વિસ્તારોમાં વધારાનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.