આજે દેશભરમાં 76 માં પ્રજાસત્તાક પર્વની ધામધુમ પૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે. ગ્રામ પંચાયતથી લઈ દિલ્હી સુધી ઠેર ઠેર દેશવાસીઓ દ્વારા આ પર્વની હર્ષોલાસ સાથે ઉજવણી થઈ રહી છે ત્યારે મોરબી જિલ્લામાં પણ જિલ્લા કક્ષાના કાર્યક્રમ, તાલુકા કક્ષાનો કાર્યક્રમ, નગરપાલિકા કચેરીઓ, મહાનગરપાલિકા કચેરી સહિતની તમામ સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં ધ્વજવંદન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
મોરબી મહાનગરપાલિકા બન્યા બાદ પ્રથમ વખત રાષ્ટ્રીય ધ્વજ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોરબી મહાનગરપાલિકાના કમિશનર સ્વપ્નિલ ખરે દ્વારા મહા પાલિકા કચેરીના ગ્રાઉન્ડમાં ધ્વજ ફરકાવવામાં આવ્યો હતો. રાષ્ટ્રધ્વજને સલામી આપવામાં આવી હતી. ત્યાર બાદ શહેરીજનોને સંબોધન કર્યું હતું જેમાં તેઓએ મોરબી શહેરના ઇતિહાસ અને વર્તમાન બાબતોની ચર્ચા કરી હતી. તેમજ મહાનગરપાલિકા બન્યા બાદ હવે ભવિષ્યના મોરબીની પણ રૂપરેખા રજૂ કરી હતી. વધુમાં જણાવ્યું હતું કે મોરબી મહાનગરપાલિકા દ્વારા શહેરીજનોની સુખાકારી માટે ઝડપથી વિકાસ કામગીરી કરવાની છે અને તેના માટે પાલિકા પાસે પૂરતો સ્ટાફ હોવો જરૂરી છે અને તે બાબતે તે સરકાર પાસે દરખાસ્ત પણ મોકલી દેવામાં આવી છે. વહેલી તકે મહાપાલિકામાં સ્ટાફની ભરતી થાય અને તેની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. આ ઉપરાંત મોરબી મહાનગરપાલિકા દ્વારા આગામી એક વર્ષ દરમિયાન કરવાના થતા કામગીરીનો રોડ મેપ તૈયાર કરવામાં આવ્યો છે જે રજુ કર્યો હતો. અને આ રોડમેપ મુજબ શહેરની માળખાકીય સુવિધાઓ પૂરી કરવાની કામગીરી હાથ ધરવામાં આવશે. મોરબી શહેરમાં એટલી ઝડપથી સુવિધાઓ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું નિર્માણ કરવામાં આવશે કે અગાઉની મહાપાલીકા જે 50 વર્ષમાં સુવિધા મેળવી શકાયું નથી તે સુવિધા આગામી 10 વર્ષ સુધીમાં મળી રહેશે તેવો કમિશનર દ્વારા દાવો કરવામાં આવ્યો હતો. મોરબી શહેરનું ઝડપી અને લાંબા ગાળાનો વિકાસ કરવામાં આવશે, ડોર ટુર કચરા કલેક્શનની કામગીરી અને તે કચરાનો વૈજ્ઞાનિક ઢબે નિકાલ કરવાની કામગીરી હાથ ધરાશે. લોકોને પણ શહેરની સફાઈ માટે પૂરતો સહયોગ આપવા વિનંતી કરી હતી.