હળવદ તાલુકામાંથી નર્મદાની ત્રણ કેનાલો પસાર થાય છે ત્યારે નર્મદા વિભાગની અનેક કેનાલો સફાઈનાં અભાવે છલકાવાની અને નબળા કામને કારણે લીકેજ થતી હોવાના બનાવો વારંવાર બની રહ્યાં છે. આ સમસ્યાને કારણે ગ્રામજનો અને ખેડૂતો ભારે ત્રાસ અનુભવી રહ્યાં છે. કડીયાણા ગામ નજીક ડી23 કેનાલ છલકાતા ખેતરોનાં ઉભા પાકમાં પાણી ફરી વળ્યા હતા. જેથી ખેડૂતોને ભારે નુકશાની જવાની ભીતિ સર્જાઈ છે. ત્યારે કેનાલોની સફાઇ અને રિપેરીંગ કરવા માગણી ખેડૂતો કરી રહ્યા છે.
મળતી માહિતી અનુસાર, હળવદ તાલુકામાં વારંવાર કેનાલો ઉભરાવવાના અને લિકેજને કારણે ખેડૂતોને પારાવાર મુશ્કેલી સર્જાઈ રહી છે. ત્યારે કડીયાણા ગામ નજીક ડી23 કેનાલ છલકાતા ખેતરોના ઊભા પાકમાં પાણી ફરી વળ્યા છે. જેમાં ૬ વીધાના ધાણા, 10 વીઘાના ઘઉં, પાંચ વીઘાના જીરું lના પાકમાં પાણી ફરી વળ્યું હતું. આ કેનાલની સાફ- સફાઈ તંત્ર દ્વારા કરવામાં નહીં આવતા કેનાલમાં ઝાડી- ઝાંખરા ઉગી ગયા છે અને કચરાને કારણે પાણી આગળ નહીં જતા છલકાઈને બહાર આવી ખેતરમાં પાણી ફરી વળ્યા છે. જેને કારણે ખેડૂતોમાં રોષ પ્રવર્તી રહ્યો છે. ખેતરોમાં જીરું અને ઘઉંના પાકોમાં પાણી ફરી વળતા નુકસાન જવાની પણ દહેશત ખેડૂતોમાં સેવાઈ રહી છે. તંત્રને અવાર-નવાર રજૂઆતો કરવા છતાં કોઈ પગલા લેવાયા નથી. ત્યારે કેનાલોની યોગ્ય સફાઈ કરવામાં આવે તથા કેનાલોનું રિપેરીંગ કામ કરવામાં આવે તેવી ખેડૂતો દ્વારા માંગણી કરવામાં આવી છે. તેમજ ખેડૂતોએ વધુમાં જણાવ્યું છે કે પાંચ વર્ષમાં એક પણ વાર કેનાલમાં સફાઈ કરવામાં આવી નથી. અને ડી 23 કેનાલ પર એક જ ગેટ કીપર રાખેલ છે જ્યાં ખરેખર ચાર માણસોની જરૂર છે. ખેડૂતો દ્વારા એવા પણ આક્ષેપ લગાવવામાં આવ્યા હતા કે કોન્ટ્રાક્ટર દ્વારા ચાર લોકો પગાર લેવામાં આવે છે. પરંતુ અને એક જ ગેટકીપર રાખવામાં આવ્યો છે તો તે અંગે પણ તપાસ થવી જોઈએ. તેમજ ખેડૂતોને વળતર આપવામાં આવે તેવી પણ માંગ કરાઇ હતી.