સીએનજી ગેસમાં ઝીંકાયેલ ભાવ વધારાને પગલે મોરબી શહેરમાં રીક્ષાભાડામાં વધારો થતા મુસાફરોમાં દેકારો બોલી ગયો છે ત્યારે મોરબીમા તાત્કાલિક સીટી બસ સેવા શરૂ કરવામાં આવે તેવી માંગ સાથે સામાજીક કાર્યકરે ચીફ ઓફિસરને રજુઆત કરી છે.
સામાજીક કાર્યકર મહાદેવભાઇ ગોહેલે રજુઆતમાં જણાવ્યું કે તાજેતરમાં મોરબી શહેરમાં લોકલ રીક્ષાભાડામાં તથા ગ્રામ્ય વિસ્તારમાં પણ રીક્ષાભાડામાં બમણો વધારો કરાતા પ્રજાજનો મુશ્કેલીમાં મુકાયા છે ત્યારે નાગરીકોની સુવીધા માટે યુધ્ધના ધોરણે સીટી બસ સેવા ચાલુ કરવા જરૂરી બની છે.મોરબી નગર પાલીકાને ૧૭ જેટલી સીટી બસો ફાળવવામાં આવી છે તેવી પણ વાત ઉડી રહી છે તો આ તમામ બસોનું શહેરનાં દરેક પોઇન્ટ પરથી સમયસર આયોજન કરવામાં આવે તો નાગરીકોની ફાયદો મળી શકે છે. બીજી તરફ સીટી બસ સમયસર ચાલુ કરવામાં આવે તો નગરપાલીકાને પણ સારી આવક થઈ શકે તેમ છે તો આ દિશામાં વહેલી તકે કાર્યવાહી કરવામાં આવે તેવી અંતમાં માંગ ઉઠાવી છે.
આ પોઇન્ટ ઝંખે છે સીટી બસની સેવા
મોરબીના મહારાણા પ્રતાપ સર્કલથી નહેરૂ ગેટ, ગાંધી ચોકથી રવાપર રોડ, મહારાણા પ્રતાપ સર્કલ થી મહેન્દ્રનગર ચોકડી અને માળીયા ફાટક વધુમાં જેલ રોડથી લીલાપર રોડ તેમજ જુના બસ સ્ટેન્ડ થી માર્કેટીંગ યાર્ડ અને મહારાણા પ્રતાપ સર્કલથી ત્રાજપર – કુબેર સીનેમા – લાલપર રફાળેશ્વર રૂટ પર સીટી બસ દોડાવવા માંગ ઉઠી છે.