મોરબીમાં આવેલો મચ્છુ નદી પરનો ઝુલતો બ્રિજ 2022માં તૂટતા 135 લોકોનું મૃત્યુ થયું હતું, જ્યારે 100 જેટલા લોકો ઘાયલ થયા હતા. આ દુર્ઘટના સંદર્ભે 10 આરોપી સામે ફરિયાદ નોંધવામાં આવી હતી. આ પૈકી 9 આરોપીઓને ગુજરાત હાઇકોર્ટમાંથી અને ઓરેવા ગ્રુપના મેનેજિંગ ડિરેક્ટર જયસુખ પટેલને સુપ્રીમ કોર્ટમાંથી જામીન મળી ચૂક્યા છે. હાઇકોર્ટમાં મોરબી બ્રિજ સુઓમોટો અરજીમાં પીડિતોને વળતર ચૂકવવા કાર્યવાહી ચાલી રહી છે. ત્યારે ઝૂલતા પુલમાં આરોપીને જામીન મળતાં ફરિયાદ પક્ષના વકીલને નવેમ્બર 2023થી એડવોકેટને ગુજરાત પોલીસે સુરક્ષા પૂરી પાડી છે ત્યારે હવે વધુ આરોપીને જામીન મળતા વકીલ સાથે તેના પરિવારને પણ સુરક્ષા આપવામાં આવી છે.
મળતી માહિતી અનુસાર, સુપ્રીમ કોર્ટે જયસુખ પટેલને જામીન આપ્યા તે ઓર્ડરની અંદર ગુજરાત સરકારને પીડિત પક્ષના એડવોકેટ ઉત્કર્ષ દવેને ટ્રાયલ ચાલે ત્યાં સુધી પોલીસ સુરક્ષા પૂરી પાડવા હુકમ કર્યો હતો. ત્યારે ઉલ્લેખનીય છે કે, ઉત્કર્ષ દવેને અગાઉ મોરબીની કોર્ટમાં જતા ધમકીઓ મળી ચૂકી છે. જે સંદર્ભે તેમને DGPને ફરિયાદ પણ કરી હતી. તપાસ અધિકારીએ એડવોકેટનું નિવેદન પણ નોંધ્યું હતું. નવેમ્બર, 2023થી એડવોકેટને ગુજરાત પોલીસે સુરક્ષા પૂરી પાડી છે. સાથે જ કોર્ટે પોલીસને એડવોકેટની સુરક્ષાને લઈને પિરીયોડીક રીવ્યુ માટે હુકમ કર્યો હતો. કોર્ટે કહ્યું હતું કે, એડવોકેટ કોઈપણ જાતના ભય વગર પોતાની ડ્યુટી કરી શકે તે મુજબની વ્યવસ્થા પોલીસ દ્વારા કરવામાં વકીલ અને તેના પરિવાર પાછળ 6 સુરક્ષાકર્મી રખાયા છે. હાલ પીડિત પક્ષે મોરબી સેશન્સ કોર્ટ સમક્ષ આરોપી ઉપર IPCની કલમ 302ની કલમ લગાવવા પણ માંગ કરી છે. જો કે, IBના અહેવાલ મુજબ જયસુખ પટેલને જામીન મળતાં એડવોકેટના પરિવારજનોને પણ સુરક્ષાની જરૂર હોવાથી ગૃહ વિભાગે એડવોકેટના ઘરે પણ ચાર પોલીસ સુરક્ષા કર્મચારીઓ મૂક્યા છે. જ્યારે એડવોકેટ પાસે બે સુરક્ષા કર્મીઓ રહે છે. આમ એડવોકેટ અને તેના પરિવાર પાછળ છ સુરક્ષા કર્મીઓ રાખવામાં આવ્યા છે તેવી માહિતી મળી રહી છે.