હળવદ તાલુકાના ઇશનપુર ગામેથી હળવદ પોલીસ દ્વારા સ્વીફટ કારમાંથી કુલ રૂ.૧,૪૪,૬૮૦ નો વિદેશી દારૂ-બિયરનો જથ્થો ઝડપી લેવામાં આવ્યો હતો. રેઇડ દરમિયાન આરોપી હાજર નહિ મળી આવતા તેને ફરાર દર્શાવવામાં આવ્યો છે. આ સાથે પોલીસે દારૂ-બિયરનો જથ્થો, એન્ડ્રોઇડ મોબાઇલ તેમજ સ્વીફ્ટ કાર સહિત ૪.૯૪ લાખનો મુદ્દામાલ કબ્જે લઈ ફરાર આરોપીને પકડી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.
મોરબી જીલ્લા પોલીસ અધિક્ષક મુકેશ પટેલ તથા નાયબ પોલીસ અધિક્ષક એસ.એચ. સારડા દ્વારા જીલ્લામાં પ્રોહિ-જુગારની પ્રવૃત્તિઓને નેસ્તનાબુદ કરવા કડક સૂચનાઓ આપવામાં આવી છે. આ અનુસંધાને હળવદ પીઆઇ આર.ટી. વ્યાસની સૂચના અનુસાર હળવદ સર્વેલન્સ સ્ટાફના એ.એસ.આઇ. અજીતસિંહ સિસોદીયા, પો.કોન્સ સાગરભાઇ કુરીયા અને વનરાજસિંહ રાઠોડને મળેલી બાતમી આધારે જુના ઇશનપુર ગામે રેઇડ કરવામાં આવી હતી.
રેઇડ દરમિયાન મારૂતી સુઝુકી સ્વીફટ કાર જીજે-૦૧-આરબી-૦૫૬૫ માંથી કુલ વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની ૨૪ નંગ બોટલ તેમજ બિયરના ૨૫૧ ટીન જેની કુલ કિ.રૂ.૧,૪૪,૬૮૦/- નો જથ્થો મળી આવ્યો હતો. દરોડા દરમિયાન આરોપી અંકીત નરેન્દ્રભાઇ રામાવત રહે.હાલ વાસુદેવનગર સોસાયટી હળવદ મૂળરહે. જુના ઇશનપુર વાળો હાજર નહિ મળી આવતા તેને આ કેસમાં વોન્ટેડ જાહેર કરીને હળવદ પોલીસે વિદેશી દારૂ, કાર તથા સેમસંગ એન્ડ્રોઇડ મોબાઇલ કિ.રૂ.૫૦ હજાર સહિત રૂ.૪,૯૪,૬૮૦/- નો મુદ્દામાલ જપ્ત કરીને ફરાર આરોપીને શોધવા ચક્રો ગતિમાન કર્યા છે.