ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં બુટલેગરો વિવિધ કીમિયા અપનાવીને દારૂનો જથ્થો ગુજરાતમાં ઘુસાડી વેચાણ કરતા હોય છે. ત્યારે આવી દારૂની હેરાફેરી રોકવા પોલીસ ટીમો સતત કાર્યરત છે. જેમાં મોરબી જિલ્લા પોલીસે ગઈકાલે બે સ્થળોએ રેઇડ કરી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે.
પ્રથમ દરોડામાં, મોરબી સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનની ટીમને ગઈકાલે બાતમી મળી હતી કે, મોરબી જેલની સામે આવેલ સુમીત ઉર્ફે સમીર ગોવીદભાઈ ચૌહાણના રહેણાંક મકાનમાં દારૂનો જથ્થો વેચાણ કરવાના ઇરાદે છુપાડવામાં આવ્યો છે. જે હકીકતના આધારે પોલીસે સ્થળ પર રેઇડ કરી મેક્ડોલ્સ નં.૧ કલેકશન વ્હીસ્કીની રૂ.૩૦૦૦/-ની કિંમતની ૮ બોટલ, ગ્રેવીટી ગ્રીન એપલ ફ્લેવર વોડકાની રૂ.૨૪૦૦/-ની કિંમતની ૮ બોટલ તથા મુનવોલ્ક ઓરેન્જ વોડકાની રૂ.૧૦૫૦/-ની કિંમતની ૩ બોટલો એમ કુલ ૧૯ બોટલ જેની કુલ કિંમત રૂ.૬૪૫૦/-નો મુદામાલ કબ્જે કર્યો છે. અને સુમીત ઉર્ફે સમીર ગોવીદભાઈ ચૌહાણ નામના યુવકની પોલીસે અટકાયત કરી છે. જેની પૂછપરછ કરતા આરોપીએ જણાવ્યું હતું કે, તેણે ધીરેન દિનેશભાઈ ચાવડા (રહે.વજેપર શેરી નં.૧૧ મોરબી) નામના શખ્સ પાસેથી આ મુદ્દમાલ વેચાણ કરવાના ઇરાદે લીધો હતો. જે હકીકતના આધારે પોલીસે ધીરેન દિનેશભાઈ ચાવડાને વોન્ટેડ જાહેર કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
બીજા દરોડામાં, વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનની ટીમ ગઈકાલે પેટ્રોલિંગમાં હતી. ત્યારે તેઓને બાતમી મળી હતી કે, વીરપર ગામની સીમમાં ભીમગુડા ગામ તરફ જવાના કાચા રસ્તે ધોળીના પટ તરીકે ઓળખાતી સીમમાં વિદેશી દારૂનો જથ્થો છુપાડવામાં આવ્યો છે. હકીકતના આધારે પોલીસે સ્થળ પર રેઇડ કરતા માટીના ઢગલામાં છુપાડેલ મેકડોવેલ્સ નં.૧ કલેક્શન વ્હીસ્કીની રૂ.૨૭,૦૦૦/-ની કિંમતની ૭૨ બોટલો મળી આવી હતી. જેની સાથે પોલીસે દારૂની હેરાફેરી કરતા સંજય ઉર્ફે બાંગડ કરશનભાઇ ડાંગરોચા, અજય ઉર્ફે કુકો રૂપાભાઇ ડાંગરોચા તથા સાગરભાઇ રમેશભાઇ ડાંગરોચા (રહે ત્રણેય-વીરપર ગામ તા.વાંકાનેર જી.મોરબી) નામના શખ્સને પકડી પાડી તેમની પાસેથી દારૂ સહીત GJ-36-AE-0338 નંબરની રૂ.૪૦,૦૦૦/-ની કિંમતની હીરો સ્પલેન્ડર પ્લસ મોટર સાયકલ મળી કુલ રૂ.૬૭,૦૦૦/- નો મુદ્દામાલ કબ્જે કર્યો છે. તેમજ તેમની પૂછપરછ કરતા ભાણજી વાલજીભાઇ દેકાવાડીયા (રહે.વીરપર ગામ તા.વાંકાનેર જી.મોરબી) નામના શખ્સનું નામ ખુલતા તેને વોન્ટેડ જાહેર કરી પોલીસે તેને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.