મોરબી ક્રાઇમ બ્રાંચ ટીમે આઇસરમાંથી ૪,૯૪૪ નંગ વિદેશી દારૂની બોટલો સાથે રૂ.૨૨.૨૮ લાખનો મુદામાલ કબ્જે કર્યો.
વાંકાનેર-જડેશ્વર રોડ પર રાતીદેવળી ગામ નજીક મોરબી ક્રાઇમ બ્રાંચની ટીમે આઇસરમાં પુઠાના બોક્સની આડમાં બનાવેલા ચોરખાનામાં છુપાવી રાખેલ વિદેશી દારૂનો મોટો જથ્થો પકડી પાડ્યો છે. આ કાર્યવાહી દરમિયાન બે આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા છે, જ્યારે એક આરોપીને ફરાર જાહેર કરવામાં આવ્યો છે.
મોરબી એલ.સી.બી./પેરોલ ફર્લો સ્કોડ ટીમને ખાનગી બાતમી મળી હતી કે જીજે-૦૩-બીવાય-૧૪૫૧ નંબરનું આઇસર વાંકાનેરથી જડેશ્વર રોડ થઈને ટંકારા તરફ જઈ રહ્યું છે અને તેમાં ડ્રાઇવર કેબિનની પાછળ ચોરખાનું બનાવી વિદેશી દારૂનો જથ્થો ભરેલો છે. આ આધારે પોલીસ વોચમાં હોય તે દરમિયાન વાંકાનેર-જડેશ્વર રોડ પર રાતીદેવળી ગામ નજીક સંગમ વોટરપાર્ક એન્ડ રેસ્ટોરન્ટ પાસેથી આઇસર પસાર થતા તેને રોકીને કોર્ડન કરી તલાસી હાથ ધરી હતી. તપાસ દરમિયાન આઇસરમાં પુઠાના બોક્સની આડમાં બનાવેલા ચોરખાનામાંથી ઇંગ્લીશ દારૂની અલગ-અલગ બ્રાન્ડની ૧૮૦ મી.લી.ની કુલ ૪,૯૪૪ નંગ બોટલો કિ.રૂ.૮,૧૦,૪૮૦/- મળી આવી હતી. જેથી પોલીસે આઇસર વાહન તથા મોબાઇલ સહિત કુલ રૂ.૨૨,૨૮,૦૭૮/-ના મુદામાલ સાથે આરોપી સબ્બીર ઉર્ફે સબ્બો કાસમભાઇ જામ ઉવ.૩૯ અને સોયબ ઉમરભાઇ જામ ઉવ.૪૦ બન્ને રહે. ધ્રાંગધ્રા, જી.સુરેન્દ્રનગર વાળાની અટકાયત કરવામાં આવી છે. પકડાયેલ બંને આરોપીઓની પૂછપરછ દરમિયાન મેહુલભાઇ ગોવિંદભાઇ સાબરીયા રહે. થાનગઢ જી.સુરેન્દ્રનગર વાળાની સંડોવણી હોવાની કબૂલાત મળતાં તેને પોલીસે ફરાર દર્શાવી કુલ ત્રણ આરોપીઓ તથા તપાસમાં ખુલ્લે તેની સામે વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે પ્રોહીબીશન ધારા હેઠળ ગુનો નોંધાવી આગળની તપાસ ચલાવી છે. વધુમાં તપાસમાં ખુલ્યું છે કે આરોપીઓ દ્વારા આઇસરમાં પાછળના ભાગે પુઠાના બોક્સ ભરેલા બતાવી, ડ્રાઇવર કેબિનની પાછળ ખાસ રીતે ચોરખાનું બનાવી મધ્યપ્રદેશ રાજ્યમાંથી ગુજરાતમાં વિદેશી દારૂની હેરાફેરી કરવામાં આવતી હતી.









