ગાંધીજીના ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં પણ બુટલેગરો ગુજરાતમાં બેફામ બની ગયા છે. રાજ્યમાં જ્યાં ત્યાંથી દારૂ ઘૂસાડવા માટે તેઓ તત્પર છે. આવામાં મોરબી જિલ્લાના વાંકાનેર સીટી તથા તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી પકડાયેલા દારૂના જથ્થાને વિવિધ અધિકારીઓની હાજરીમાં નાશ કરવામાં આવ્યો છે.
મળતી માહિતી અનુસાર, રાજકોટ રેન્જ આઈ.જી. અશોકકુમાર યાદવ દ્વારા રાજકોટ રેન્જમાં પ્રોહીબીશનના મુદ્દામાલનો નાશ કરવા સુચના આપવામાં આવી હતી. જેને લઇ વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન તથા વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં જાન્યુઆરી-૨૦૨૫ થી જુલાઈ-૨૦૨૫ સુધીમાં અલગ અલગ ગુન્હાઓમાં પકડાયેલ વિદેશી દારૂનો નાશ કરવાની મંજુરી નામદાર કોર્ટ તરફથી મળતા આજ રોજ વાંકાનેર-ચોટીલા ને.હા. રોડ પાસે ગારીડા ગામ તથા રંગપર ગામ વચ્ચે હોટલ તીરથ પાસે આવેલ જુના પડતર ડામર રોડ ખાતે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે કુલ ૧૮ ગુન્હામાં પકડાયેલ રૂ.૧,૪૨,૮૮,૬૮૦/-ની કિંમતની ૩૨,૦૨૯ બોટલો તથા વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે કુલ ૦૬ ગુનામાં પકડાયેલ રૂ.૭૮,૮૨૨/-ની કિંમતની ૧૬૬ બોટલો મળી કુલ ૨૪ ગુનામાં પકડાયેલ ૩૨,૧૯૫ બોટલોના રૂ.૧,૪૩,૬૭,૫૦૨/-ની કીંમતનો વિદેશી દારૂ વાંકાનેર સબ ડિવિઝન મેજિસ્ટ્રેટ વી.ડી.સાકરીયા, વાંકાનેર ડી.વાય.એસ.પી. એસ.એચ.સારડા તથા રાજકોટ નશાબંધી અને આબકારી ખાતાના ઇન્સપેક્ટર નિધીબેન મેંદપરા સહિતના અધિકારીઓ અને પદાધિકારીઓની હાજરીમાં રોલર ફેરવી નાશ કરવામાં આવ્યો છે.