સાપકડા સીટ પર ચૂંટણી લડવા ઉમેદવારી નોંધાવાના હોવાથી તેનો ખાર રાખી એક શખ્સે ફોન પર ધમકી આપ્યાની ફરિયાદ નોંધાઇ
મોરબી જિલ્લા, તાલુકા પંચાયત તેમજ નગરપાલિકાની આગામી સમયમાં યોજાનાર ચૂંટણીઓ માટે રાજકીય પક્ષો દ્વારા ઉમેદવારોની સેન્સ લેવામાં આવી રહી છે. ત્યારે મોરબી જિલ્લા પંચાયતના પૂર્વ ચેરમેને આગામી ચૂંટણી માટે સાપકડા સીટ ઉપર ઉમેદવારી નોંધાવવાના હોય. જે અંગે સારું ન લાગતા એક શખ્સે તેમને ફોન ઉપર જાનથી મારી નાંખબાની ધમકી આપી હોવાનો બનાવ પ્રકાશમાં આવતા સ્થાનિક રાજકારણમાં હલચલ મચી ગઇ છે.
આ બનાવની હળવદ પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર મોરબી જિલ્લા પંચાયતની કારોબારી સમિતિના પૂર્વ ચેરમેન અને હળવદની સાપકડા સીટના પૂર્વ સદસ્ય હેમાંગભાઇ ભુપતભાઇ રાવલ (ઉ.વ. ૩૪) એ પપ્પુભાઇ ઠાકોર (રહે.ચુલી, તા.ધ્રાગધ્રા, હાલ રહે.હળવદ) સામે ફરિયાદ નોંધાવી હતી કે, તા.૨૭ ના રોજ રાત્રીના સમયે તેમના ઘરે હતા.તે સમયે ફરીયાદી હળવદ તાલુકાના સાપકડા ગામની જીલ્લા પંચાયતની સીટ ઉપર ઉમેદવારી કરવાના હોય. જે આરોપીને ગમતુ ન હોય. જેના કારણે આરોપીએ ફરીયાદીને ફોન કરી બીભત્સ ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. હાલ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની મૌસમ ચાલી રહી છે અને ચૂંટણી લડવા માટે ઉમેદવારો જે તે રાજકીય પક્ષની સેન્સ પ્રક્રિયામાં દાવેદારી નોંધાવી રહ્યા છે. ત્યારે આ જિલ્લા પંચાયતના પૂર્વ ચેરમેનને ચૂંટણી ન લડવાની ગર્ભિત ધમકી મળતા રાજકીય આલમમાં ચકચાર મચી ગઇ છે.