મોરબીના પૂર્વ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ જયંતિ જેરાજભાઈ પટેલે રાજીનામું ધરી દીધું છે. કૉંગ્રેસ પક્ષમાં જયંતિ પટેલ વર્ષોથી જોડાયેલ હતા. તેમજ સાત વખત કોંગ્રેસ પક્ષમાંથી તેઓ મોરબી માળીયા વિધાનસભા બેઠક પર ચૂંટણી લડી ચૂક્યા છે. તેમજ તેઓ દ્વારા હાલ જૂથવાદનાં કારણે રાજીનામું આપવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે.
મળતી માહિતી અનુસાર, મોરબીના પૂર્વ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ જયંતિ જેરાજભાઈ પટેલ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષ સાથે વર્ષોથી જોડાયેલ હતા. જેઓએ હાલમાં કોંગ્રેસ પક્ષમાંથી તમામ હોદા ઉપરથી અને પ્રાથમિક સભ્ય પદેથી ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ શકિતસિંહ ગોહિલને આજે સત્તાવાર રાજીનામું આપી કોંગ્રેસ સાથે છેડો ફાડ્યો છે. અત્રે ઉલલેખનીય છે કે, જયંતિ પટેલ કૉંગ્રેસ પક્ષમાં વર્ષોથી જોડાયેલ હતા. તેમજ સાત વખત કોંગ્રેસ પક્ષમાંથી મોરબી માળીયા વિધાનસભા બેઠક પર તેઓ ચૂંટણી લડી ચૂક્યા છે. જયંતિભાઈ પટેલ કોંગ્રેસના ચુસ્ત આગ્રહી આગેવાનમાં ગણવામાં આવતા હતા. ત્યારે થોડા દિવસો પહેલા મોરબી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ તરીકે પક્ષ પલટો કરવાની ટેવ વાળા કિશોરભાઈ ચોખલિયાની નિમણુક આપતા કોંગ્રેસમાં એક જૂથે બળવો કર્યો હતો. જેને લઇ તેઓ દ્વારા હાલ રાજીનામું આપવામાં આવ્યું હોવાની ચર્ચા વહેતી થઈ છે.