મોરબી-માળીયા (મીં) ના પૂર્વ ધારાસભ્ય તથા ગુજરાત સરકારના પૂર્વ મંત્રી બ્રિજેશ મેરજાએ ત્રણ દિવસ દરમિયાન મોરબી જીલ્લાના વિવિધ વિસ્તારોમાં ધાર્મિક, સામાજિક અને રાજકીય કાર્યક્રમોમાં ભાગ લઈ જનસંપર્ક મજબૂત કર્યો હતો. મંદિરોના દર્શનથી લઈને સામાજિક સમારંભો અને ભાજપ કાર્યાલયની મુલાકાત સુધીનો વ્યાપક કાર્યક્રમ યોજાયો હતો.
મોરબી-માળીયા(મીં)ના પૂર્વ ધારાસભ્ય તથા ગુજરાત સરકારના પૂર્વ મંત્રી બ્રિજેશ મેરજાએ તાજેતરમાં ત્રણ દિવસ દરમિયાન મોરબી જીલ્લાના વિવિધ વિસ્તારોમાં ધાર્મિક, સામાજિક તેમજ રાજકીય કાર્યક્રમોમાં હાજરી આપી હતી. તેમના આ વ્યસ્ત પ્રવાસ કાર્યક્રમ દરમિયાન તેમણે જનતા સાથે સીધો સંપર્ક સાધી સ્થાનિક મુદ્દાઓ અંગે માહિતી મેળવી હતી. પૂર્વ મંત્રી બ્રિજેશ મેરજાએ મોરબી જીલ્લાના તીથવા નજીક આવેલા પાંચાલ પ્રદેશ તરીકે ઓળખાતા ભંગેશ્વર મહાદેવ મંદિર ખાતે દર્શન કરી જલાભિષેક કર્યો હતો. ત્યારબાદ ટેકરી ઉપર આવેલા ઉમિયા માતાજીના મંદિરે પણ દર્શન કર્યા હતા. ભંગેશ્વર મંદિરના મુખ્ય ટ્રસ્ટી હંસરાજભાઈએ તેમને પાંડવોના આગમન, માતા કુંતીજી દ્વારા મહાદેવ મંદિરની સ્થાપના તથા શ્રીકૃષ્ણ ભગવાનના વિચરણ અંગે ઐતિહાસિક માહિતી આપી હતી.
આ ઉપરાંત, મોઢ વણિક અને મોઢ પંડ્યા પરિવારના માતંગી મોઢેશ્વરી માતાજીના મંદિરે દર્શન કરી ધાર્મિક પ્રવચન આપ્યું હતું. મોરબી તાલુકાના નાની વાવડી ગામે પટેલ સમાજની વાડીમાં યોજાયેલ મા રમાનાથ ધાર્મિક ઉત્સવમાં સહભાગી બની આધ્યાત્મિક મહાનુભાવ નાથાલાલ જોશીના જીવન અને કાર્ય અંગે પ્રેરક પ્રવચન કર્યું હતું. આ ઉપરાંત મોરબી શહેરમાં લોહાણા બોર્ડિંગ ખાતે શ્રી સરસ્વતી મહિલા મંડળ દ્વારા આયોજિત શ્રી રામચરિત માનસ કથાનું શ્રવણ કરી તેમણે ધાર્મિક પ્રવચન આપ્યું હતું, જેમાં આયોજકો દ્વારા તેમનું સન્માન પણ કરવામાં આવ્યું હતું. ઉપરાંત, કડવા પાટીદાર કન્યા છાત્રાલયના પટાંગણમાં યોજાયેલ “સરદાર કથા”માં ખાસ ઉપસ્થિત રહી સરદાર સાહેબના જીવન અને વિચારો અંગે વિસ્તૃત જાણકારી મેળવી હતી. રાજકીય કાર્યક્રમોની વાત કરીએ તો, બ્રિજેશ મેરજાએ મોરબી જીલ્લા ભાજપ કાર્યાલયની મુલાકાત લઈ કાર્યકર્તાઓ સાથે સંગઠનાત્મક ચર્ચા કરી હતી. તેમજ નાના ભેલા ગામે વહેલી સવારે કકડતી ઠંડીમાં ગામની ભાગોળે તાપણું કરીને બેઠેલા ગ્રામજનો સાથે આત્મીય સંવાદ સાધી સ્થાનિક પ્રશ્નો અને જરૂરિયાતો અંગે માહિતી મેળવી હતી.









