સમગ્ર રાજ્યમાં લગ્ન પ્રસંગે ખોટા ખર્ચ બંધ કરી સાદગી પૂર્વક ઘડિયા લગ્નપ્રસંગ યોજવા સંદેશ આપનાર મોરબી પાટીદાર સમાજની પહેલ રંગ લાવી રહી છે જે અંતર્ગત મોરબી પૂર્વ ધારાસભ્યએ આ પ્રવૃત્તિને વેગ આપવા પ્રેરણાદાયક અને આ વિચારધારામાં માનનારા લોકો માટે ઉત્સાહ પ્રેરક જાહેરાત કરી છે. કાંતિભાઈ અમૃતિયાના ઉમા ટાઉનશીપ મુકામે આવેલા તેમના નિવાસસ્થાને જે કોઈ સમાજ ઘડિયા (ત્વરિત) લગ્નનું આયોજન કરશે તેઓને આ જગ્યા ઉપરાંત તેમના તરફથી ભોજન સમારંભનો સંપૂર્ણ ખર્ચ આપવામાં આવશે.
કાંતિભાઈ અમૃતિયા દ્વારા મોરબી જિલ્લાના તમામ સમાજને ઘડિયા લગ્ન હોય તો તેઓને મોરબી સામાકાંઠે આવેલ ઉમા ટાઉનશીપ ખાતે રાખવા માટે આહવાન કરેલ છે આ માટે વર્તમાન સમયની કોરોના અન્વયેની સરકારની ગાઈડલાઈન છે ત્યાં સુધી અને તે મુજબ બંને પક્ષમાંથી 50 વ્યક્તિ -50 વ્યક્તિની મર્યાદામાં આયોજન કરી તેઓના ભોજન સમારંભનો તમામ ખર્ચ કાંતિભાઈ અમૃતિયા દ્વારા આપવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, સેવા કાર્યમા અગ્રેસર રહેતા કાંતિભાઈએ કોરોનાકાળમાં પણ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, સામુહિક આરોગ્ય કેન્દ્ર, આયુર્વેદિક દવાખાના, અર્બન હેલ્થ સેન્ટર વી. ખાતે દવાઓ પહોંચાડવા ઉપરાંત અન્ય સુવિધા ઉપલબ્ધ કરાવવા રોકડ રકમ આપી હતી અને આ સમયે સામાજીક પ્રસંગે ઉપયોગી બનીને આમ પ્રજા માટે તેઓ હંમેશા ચિંતિત છે તેની પ્રતીતિ કરાવી છે.