પૂર્વ રેન્જ IG એ.કે.જાડેજાનું પુરુ નામ અનિલસિંહ કનકસિંહ જાડેજા હતું. તેઓ મૂળ મોરબી જિલ્લાના ધૂળકોટ ગામના વતની હતા.તેઓ વર્ષ 1982માં સબ ઈન્સપેક્ટર તરીકે ગુજરાત પોલીસમાં જોડાયા હતા. એ પછી 1990માં ડાયરેકટ પરીક્ષા પાસ કરીને તેઓ Dysp બન્યા હતા.
લતીફના ઘરમાં ઘુસી ને આપ્યો હતો પોલીસની તાકાત નો પરચો
એ સમયે ગીથા જોહરી DCP હતા. તેઓ પોતાના બે અધિકારીઓ સાથે પોપટીયાવાડમાં લતીફના ઘરે રિક્ષામાં બેસીને પહોંચ્યા હતા. આ અધિકારીઓમાં એ.કે.જાડેજા પણ હતા. એ સમયે એ.કે.જાડેજા DySP હતા. જ્યારે તેઓ લતીફના ઘરની બહાર પહોંચ્યા ત્યારે તેના સાગરિતોને જાણ થઈ થઈ હતી. લતીફ ગેંગના માણસો વધારે હોવાથી કેટલાંક ગેંગસ્ટર ભાગવામાં સફળ રહ્યા હતા. બાદમાં ગીથા જોહરીએ એ.કે.જાડેજાને લતીફનું ઘર ચેક કરવા માટે કહ્યું હતું. જો કે, કોઈ અધિકારીએ લતીફના ઘરમાં ઘૂસવાની હિંમત કરી નહોતી. એ સમયે DySP એ.કે.જાડેજા લતીફના ઘરમાં ઘૂસનારા પહેલા અધિકારી હતા. લતીફના ઘરમાં રહેલી સ્ત્રીઓ અને પુરુષોએ તેમને પ્રવેશતા અટકાવ્યા હતા. પણ તેઓ તમામને હડસેલીને અંદર ઘૂસ્યા હતા. તેમણે લતીફને ઉપરના માળે જતા જોયો હતો. એટલે એ.કે. જાડેજા હાથમાં રિવોલ્વર લઈને તેની પાછળ ભાગ્યા હતા. જો કે, એ સમયે લતીફ એક ધાબા પરથી બીજા ધાભા અને એક પતરા પરથી બીજા પતરા પર કૂદીને એ.કે.જાડેજાને થાપ આપીને ભાગવમાં સફળ રહ્યો હતો. જો કે, એ સમયે ડીસીપી ગીથા જોહરી અને પી.એસ.આઈ. પટેલ લતીફના સાગરિત શરીફ અને જાવેદના માથે રિવોલ્વર તાકીને ઉભા હતા. શરીફ અને જાવેદને છોડાવવા લોકોનું ટોળુ પણ એકત્ર થઈ ગયું હતું. બાદમાં પોલીસ કંટ્રોલ રૂમને એ.કે.જાડેજાએ જાણ કરી હતી.ત્યાર બાદ વર્ષ 1993માં રાજ્યમાં આતંકવાદ વિરોધી દળ (ATS)ની સ્થાપના થઈ હતી. જેમાં સૌપ્રથમ તેઓની DySP તરીકે નિમણૂક પણ થઈ હતી પછી તેઓએ 6 ત્રાસવાદી ઉપરાંત ખાલિસ્તાન લેબ્રેસન ફોર્સના સૂત્રધારોને રાઈફલો સાથે ઝડપી પાડ્યા હતા. આ ઉપરાંત તેઓ CID ક્રાઈમમાં 2011થી 2013 સુધી નાયબ પોલીસ મહાનિરીક્ષક તરીકે ફરજ નિભાવીને અનેક ગુનાઓ ઉકેલ્યા હતા. 2001માં તેઓ IPS તરીકે નોમિનેટ થયા હતા. ત્યારે તેમનું સૌથી પહેલું પોસ્ટિંગ દાહોદમાં થયું હતું. જ્યા પણ તેઓને આ કોમી તોફાન વચ્ચે 1800 જેટલા હિંદુઓ અને મુસ્લિમો ને સુરક્ષિત સ્થળે ખસેડી તેઓના જીવ બચાવ્યા હતા.
અમદાવાદનાં પૂર્વ રેન્જ IG એ.કે. જાડેજાનું લાંબી બીમારી બાદ નિધન થયું છે. તેઓ લાંબા સમયથી લીવરની બીમારીથી પીડત હતા. જેના કારણે છેલ્લાં કેટલાય સમયથી તેઓ ઝાયડસ હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા. ઝાયડસ હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેઓએ અંતિમ શ્વાસ લીધા હતા. અમદાવાદ પૂર્વ રેન્જ IG અને એક બહાદુર પોલીસ અધિકારી એ.કે.જાડેજાનું નિધન થતાં પોલીસબેડામાં પણ શોકનો માહોલ છવાયો છે.