જાહેરમાં જાતિ પ્રત્યે હડધૂત કરી જાનથી મારી નાખવાની ધમકી.
હળવદ તાલુકાના રણમલપુર ગામે અનુસૂચિત જાતિ વિસ્તારમાં સરકારી જમીનમાં વીજપોલ નાખવાની કામગીરી દરમિયાન માજી સરપંચ પુનાભાઈ રાઠોડ પર લોખંડના પાઇપ અને લાકડી વડે હુમલો તથા જાહેરમાં જાતિ પ્રત્યે હડધૂત કરી જાનથી મારી નાખવાની ધમકી આપનાર ત્રણ શખ્સો સામે હળવદ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે.
હળવદ તાલુકાના રણમલપુર ગામે સરકારી જમીનમાં વીજપોલ નાખવા બાબતે વિવાદ ઊભો થતાં મારામારીની ઘટના સામે આવી છે. જેમાં ફરિયાદી પુનાભાઈ દેવાભાઈ રાઠોડ ઉવ.૬૨ રણમલપુર ગ્રામ પંચાયતના માજી સરપંચ અને અનુસૂચિત જાતિના આગેવાન રહે. રણમલપુર તા.હળવદ વાળાએ આરોપી હરજી કર્મશી રબારી, નરેશભાઈ હરજીભાઈ રબારી તથા ખોડા ગોવિંદભાઇ રબારી રહે. ત્રણેય રણમલપુર વાળા વિરુદ્ધ હળવદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે, જેમાં જણાવ્યા અનુસાર ગત તા.૨૪/૦૨ના રોજ ગામના અનુસૂચિત જાતિ વિસ્તારમાં વીજ પુરવઠો ખોરવાઈ જતા તૂટેલા મુખ્ય વીજપોલ બદલવા માટે જીઈબી કચેરીમાં જાણ કરવામાં આવી હતી. જે બાદ તા.૨૫/૦૨ના રોજ સવારના સમયે પીજીવીસીએલના કર્મચારીઓ નવો વીજપોલ નાખવા સ્થળ પર પહોંચ્યા હતા. તે દરમિયાન આરોપી હરજી કરમશી રબારી, નરેશભાઈ હરજીભાઈ રબારી અને ખોડા ગોવિંદભાઈ રબારી લોખંડના પાઇપ અને લાકડી લઈને સ્થળ પર આવી કામ અટકાવવાનો પ્રયાસ કર્યો હતો. અને આ સરકતી જમીન ઉઓર અમારો કબજો છે, જેથી વીજપોલ ઉભો ન કરવા અને જાહેરમાં ફરિયાદીને જાતિ પ્રત્યે અપમાનિત શબ્દો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી તેમજ લોખંડના પાઇપ અને લાકડી વડે હુમલો કર્યો હતો.હુમલામાં ફરિયાદીને પગ અને પીઠના ભાગે ઇજા પહોંચી હતી અને તેમને સરકારી હોસ્પિટલ હળવદ ખાતે સારવાર લેવી પડી હતી. બનાવ દરમિયાન તેમના ખિસ્સામાં રહેલા રૂપિયા ૪,૫૦૦/- ગુમ થયાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે. હાલ બનાવ અંગે હળવદ પોલીસે ત્રણેય આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.









