હળવદના જુના દેવળીયા ગામ ખાતે રહેતા અને મોરબી તાલુકાનાં જેતપર ગામે એગ્રો ની દુકાન ધરાવતા એક યુવકને હનીટ્રેપમાં ફસાવી તેની પાસેથી સમાધાનના રૂપિયા 10 લાખની માંગણી કરવાના મામલે બે દિવસ પહેલા જ મોરબી તાલુકા પોલીસ મથકે પાંચ ઈસમો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. ત્યારે ફરિયાદ દાખલ થતા જ પોલીસે ગણતરીની કલાકોમાં મહિલા સહિત ચાર શખ્સોને પકડી પાડ્યા છે.
આ બનાવની વિગત અનુસાર, હળવદના જુના દેવળીયા ગામે રહેતા કૃણાલભાઇ વિનોદભાઇ અઘારા નામના વેપારી યુવકના વોટ્સએપ પર કોલ કરી પ્રિયાબેન રાજકોટ દ્વારકેશ ઓટોલીંક નામની ફાયનાન્સ પેઢીમાંથી બોલુ છુ તમારે કાર ઉપર લોન જોઇતી હોય તો કહો તેમ કહી અવાર-નવાર યુવક સાથે ફોન પર વાત કરતા હોય જેનો ગેરલાભ લઇ શ્યામ રબારી નામના રાજકોટના શખ્સે યુવકને ફોન કરી ધમકાવી જેમ ફાવે તેમ ગાળો દઇ “તુ મારી પત્નિ સાથે ફોન પર કેમ વાતો કરે છે” તેવુ કહી ઘરેથી ઉપાડી જઇ જાનથી મારી નાંખવાની ધમકી આપતા ટંકારાના બંગાવડી ખાતે રહેતા જયદીપસિંહ મહેન્દ્રસિંહ જાડેજા તથા મોરબીના શકત સનાળા ખાતે રહેતા રવીભાઇ દીલીપભાઇ ખટાણા નામના બે શખ્સોએ વચ્ચે પડી શ્યામ રબારી સાથે સમાધાનની વાત થઇ ગયેલ છે અને તે પેટે અમોએ તેને રૂપીયા દસ લાખ ચુકવી દીધેલ છે. જે રૂપીયા તારે ગમે તે ભોગે અમને આપવા પડશે તેવી ફરિયાદીને ધમકી આપતા ફરિયાદીએ પોતાનો મોબાઇલ ફોન બંધ કરી દેતા જયદીપસિંહ મહેન્દ્રસિંહ જાડેજા અને રવીભાઇ દીલીપભાઇ ખટાણાએ ફરિયાદી યુવકના પિતા વિનોદભાઇ અઘારાના મોબાઇલ ફોન પર ફોન કરી તથા ઘરે જઈ તમારા દિકરાનુ સમાધાન કરાવેલ છે તેના રૂપીયા દસ લાખ તમારે આપવા પડશે. નહીતર તમારા દિકરાને ઘરેથી ઉપાડી જઇ મારી નાંખશુ તેવી ફોન ઉપર અવાર-નવાર બળજબરીથી નાંણા કઢાવી લેવા મૃત્યુના ભયમાં મુકવાની ધાક ધમકી આપી જેમ ફાવે તેમ ભુંડાબોલી ગાળો દેતા સમગ્ર મામલે પાંચ આરોપીઓ વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ મથકે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. જેમાંથી જયદીપસિંહ મહેન્દ્રસિંહ જાડેજા, રવીભાઇ દીલીપભાઇ ખટાણા, મયુર ખટાણા તથા બિલનબેન દોશીની અટક કરી છે. તથા એક ઈસમની અટક કરવાની બાકી છે.
પોલીસ તંત્રના જણાવ્યા અનુસાર, જયદીપસિંહ મહેન્દ્રસિંહ જાડેજા વિરુદ્ધ અગાઉ જામનગર ખાતે અપહરણ સહિતના ગુનાઓ દાખલ થયેલ છે. જેને લઇ તપાસ ચાલુ છે. તેમજ જાહેર જનતાને અપીલ કરતા કહ્યું હતું કે, બિન જરૂરી કોઈ પણ કંપની તરફથી ફોન આવે તો તેમનું કોઈ કામ ન હોય તો તેમની સાથે બિનજરૂરી ખોટી વાતું ન કરી હનીટ્રેપમાં ફસાવવું નહિ. કામ સિવાય બિન જરૂરી વાત કરવાથી તમે વાતું વાતુમાં તમારા એવિડેન્સ આપી દો છો અને હનીટ્રેપમાં ફસાવ છો જેથી આ પ્રકારના કોલ પર બિનજરૂરી વાત કરવાનું ટાળવા મોરબી પોલીસ દ્વારા જાહેર જનતાને અપીલ કરવામાં આવી હતી.