મોરબી શહેરમાં વર્ષ ૨૦૨૧ દરમિયાન થયેલા ડબલ મર્ડરના કેસમાં કોર્ટ દ્વારા મહત્વપૂર્ણ ચુકાદો આપવામાં આવ્યો છે. પાલિકાના પૂર્વ ઉપપ્રમુખ અને તેમના પુત્રની નિર્મમ હત્યાના કેસમાં એડિશનલ સેશન્સ કોર્ટે ચાર આરોપીઓને દોષિત ઠેરવી આજીવન કેદની સજા તથા રૂ. ૩૦,૦૦૦નો દંડ ફટકાર્યો છે.
મોરબીના વિસીપરા વિસ્તારમાં આવેલી મદીના સોસાયટીમાં રહેતા પૂર્વ પાલિકા ઉપપ્રમુખ ફારૂકભાઈ ઈબ્રાહીમભાઈ મોટલાણી અને તેમના પુત્ર ઈમ્તિયાઝ મોટલાણી પર રાત્રિના સમયે તેમના જ ઘર નજીક છરી અને ઘારીયાથી હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં બંનેના મોત નિપજ્યા હતા. આ મામલે મૃતક ફારૂકભાઈના પત્ની રઝીયાબેન મોટલાણીએ બી-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં જણાવ્યા મુજબ, ચૂંટણી સમયની જૂની રાજકીય રંજિશના કારણે આરોપીઓએ આ હત્યા કરી હતી. ફરિયાદ આધારે પોલીસે ડાડો ઉર્ફે દાદુ ઉર્ફે રફીક તાજમહમદ જેડા, અસગર જાકમ ભટ્ટી, જુસબ જાકમ ભટ્ટી અને આસિફ સુમરા સહિતના આરોપીઓની ધરપકડ કરી હતી. આ ઘટનામાં એક કાયદાના સંઘર્ષમાં આવેલા કિશોરની પણ સંડોવણી સામે આવી હતી, જેની સામે અલગથી કાયદેસર કાર્યવાહી કરવામાં આવી હતી. કેસની સુનાવણી મોરબીના એડિશનલ સેશન્સ જજ કે.આર. પંડ્યાની કોર્ટમાં ચાલી હતી. સરકારી વકીલ વી.સી. જાની દ્વારા રજૂ કરાયેલા દલીલો અને પુરાવાઓને આધારે કોર્ટે ચારેય આરોપીઓને દોષિત ઠેરવ્યા હતા. કોર્ટે ચારેય આરોપીઓને આજીવન કેદની સજા સાથે રૂ. ૩૦,૦૦૦નો દંડ ફટકાર્યો છે. ઉપરાંત, તમામ સજાઓ એકસાથે ભોગવવાનો હુકમ કર્યો છે. ફોજદારી કાર્યવાહી સંહિતાની કલમ ૪૨૭ મુજબ, આરોપીઓએ કાચા કામના કેદી તરીકે જેલમાં પસાર કરેલો સમય સજામાં ગણતરીમાં લેવાનો પણ આદેશ આપવામાં આવ્યો છે.









