મોરબી શહેર પોલીસના એ ડિવિઝન અને બી ડિવિઝન પોલીસ મથક ટીમ દ્વારા ચાર અલગ અલગ સ્થળોએ જુગારના દરોડામાં ચાર આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા છે. જેમાં વરલીફીચર્સના આંકડાનો જુગાર અને ચકલા-પોપટનો જુગાર રમી રહેલા જુગરીઓને ઝડપી લઈ તમામ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.
જુગારના પ્રથમ દરોડા અંગે પ્રાપ્ત માહિતી મુજબ મોરબીના સામાકાંઠા વિસ્તારમાં આવેલ મહારાણા સર્કલ નજીક કડીયા બોર્ડિંગના ખૂણે જાહેરમાં વરલીફીચર્સના આંકડાનો જુગાર રમી રમાડતા આરોપી મનોજભાઇ ઉર્ફે નાનુ ખીમજીભાઇ રાઠોડ ઉવ.૫૦ રહે.ત્રાજપર આઠ ઓરડી મોરબી-૨ ને મોરબી સીટી બી ડિવિઝન પોલીસ દ્વારા પકડી પાડવામાં આવ્યો છે. પોલીસે આરોપી પાસેથી રોકડા રૂપિયા ૨,૨૬૦/- તથા વરલીફીચર્સના આંકડાનો જુગાર રમવાના સાહિત્ય જપ્ત કરી વિધિસર અટકાયત કરી તેની સામે જુગારધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
જ્યારે બીજા દરોડામાં મોરબીની કબીર ટેકરી શેરી નં.૩માં જાહેરમાં પૈસાની હારજીતનો ચકલી-પોપટનો જુગાર રમાડી રહેલ આરોપી રમેશભાઈ ગોવિંદભાઈ અગેચાણેયા ઉવ.૬૦ રહે.મોરબી કબીર ટેકરી શેરી નં.૩ને ઝડપી લેવામાં આવેલ છે. પોલીસે સ્થળ ઉપરથી ચકલી પોપટના જુગાર રમાડવાના સાહીત્ય જેમા ચકલી પોપટના ચિત્રકયાનુ પન્નુ તથા આરોપીની અંગ ઝડતીમાંથી રોકડા રૂ.૨૭૦/- નો મુદામાલ કબ્જે કરી મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં જુગારધારા હેઠળ ગુનો દાખલ કરી ધોરણસરની કાર્યવાહી કરવામાં આવી હતી.
જુગારના ત્રીજા દરોડામાં મોરબી એ ડિવિઝન પોલીસ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન વાઘપરા વિસ્તારના નાકા પાસેથી વર્લી મટકાના આંકડાનો જાહેરમાં જુગાર રમી રમાડતા મૂળ ચોટીલાના શાસ્ત્રીનગરનો રહેવાસી હાલ જેઇલ રોડ ઇન્ડિયન બેંક સામે રહેતો આરોપી દર્શીતભાઇ મહેશભાઇ દક્ષીણી ઉવ.૩૬ને રંગેહાથ ઝડપી લેવામાં આવ્યો છે. તેની પાસેથી વર્લીફીચર્સના જુગારના આંકડા રમવાનું સાહિત્ય સહિત રોકડા રૂ.૪૨૦/-મળી આવતા પોલીસે તેની અટક કરી તેની વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
જ્યારે જુગારના ચોથા દરોડામાં વાઘપરાના નાલા પાસે વર્લી ફિચર્સના આંકડાનો પૈસાની હારજીતનો નસીબ આધારિત જાહેરમાં જુગાર રમતા આરોપી તૌફીકભાઇ હુશેનભાઇ લાખા ઉવ.૩૬ રહે.મોરબી કબીર ટેકરી શેરીનં.૮ને ઝડપી લેવામાં આવ્યો છે. પોલીસે આરોપીના કબ્જામાંથી રોકડા રૂ. ૩૬૦/- તથા વર્લી ફિચર્સના આંકડાઓ લખેલી અલગ અલગ ચિઠ્ઠીઓ મળી આવી હતી. ત્યારે પોલીસે આરોપી સામે સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં જુગારધારા એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ ચલાવી છે.