મોરબીમાં એક જ દિવસમાં અપમૃત્યુના ચાર બનાવની પોલીસ દફતરમાં નોંધ થતા સમગ્ર પંથકમાં ચકચાર મચ્યો છે. જેમાં એક ૧૮ વર્ષીય યુવતી સહિત ચાર વ્યક્તિના અકાળે મૃત્યુ થતા જીલ્લાના અલગ અલગ પોલીસ મથકમાં અ.મોતની નોંધ કરી આગળની ઘટિત કાર્યવાહી હાથ ધરાઈ છે.
પ્રથમ અપમૃત્યુના બનાવ અંગે મળતી વિગત મુજબ મૂળ એમપીના વતની સોભાન કાલુ કામલીયા ઉવ.૪૫ ગત તા. ૦૧/૦૭ના રોજ મોરબીના પાડાપુલ નીચે કુદરતી હાજતે ગયેલ હોય તે દરમ્યાન સોભાનભાઈને ઝેરી સાપ પગમા કરડી જતા તેમનું મૃત્યુ નીપજ્યું હતું ત્યારે મૃતક સોભાનભાઈની ડેડબોડી તેના પરીવારજનો એમપી ખાતે તેના વતન લઇ ગયા હતા ત્યારે એમપી રાજ્યના થાદલા ગામે મૃતદેહનું પી એમ કરાવેલ હોય જેથી થાદલા પોસ્ટે ખાતે સોભણભાઈના અકાળે મૃત્યુના બનાવ મામલે અ.મોત રજી. કરી સમગ્ર બનાવ મામલે તમામ કાગળો મોરબી બી ડિવિઝન પોલીસ મથક ખાતે રવાના કરતા પોલીસે અ.મોતની નોંધ કરી વધુ તપાસ ચલાવી છે.
જ્યારે બીજા બનાવની પ્રાપ્ત માહિતી મુજબ મોરબી તાલુકાના અણીયારી ગામે ઠાકરશીભાઈની વાડીએ ખેતશ્રમિક પરિણીતા લીલાબેન બહાદુરભાઇ ભાભોર ઉવ-૨૩એ વાડીમાં કોઈ કારણોસર ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા તેનું મૃત્યુ નીપજ્યું હતું. તેથી મૃતક પરિણીતાની ડેડબોડી પીએમ અર્થે તેના પતિ દ્વારા મોરબી સરકારી હોસ્પિટલે લાવવામાં આવી હતી. પ્રાથમિક તપાસમાં મૃતક પરિણીતાની લગ્નગાળો ૫વર્ષનો હોય તે દરમિયાન તેઓને એક બે વર્ષનો દીકરો હોય. હાલ અપમૃત્યુના બનાવ અંગે તાલુકા પોલીસે અ.મોતની એન્ટ્રી કરી આગળની વધુ તપાસની તજવીજ હાથ ધરી છે.
ત્રીજા બનાવમાં રવાપર(નદી) ગામે આવેલ વોલીવુડ કારખાનામાં કામ કરતા શ્રમિક સંજયરાય આનંદરાય ઉવ.૨૦ એ લેબર ક્વાર્ટરમાં કોઈ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. ત્યારે બનાવ અંગે કારખાનાના ભાગીદાર વિમાલભાઈ મોતીભાઈ કાંસુન્દ્રા દ્વારા તાલુકા પોલીસને જાણ કરાઈ હતી ત્યારે પોલીસે સ્થળ ઉપર પહોંચી પ્રાથમિક કાર્યવાહી કરી મૃતદેહને પીએમ. અર્થે હોસ્પિટલ ખસેડવાની તજવીજ હાથ ધરી હતી. હાલ પોલીસે મૃત્યુના બનાવ મામલે અ.મોતની નોંધ કરી આગળની તપાસ ચલાવી છે.
જ્યારે ચોથા અપમૃત્યુના બનાવ ની પ્રાપ્ત માહિતી અનુસાર વાંકાનેર તાલુકાના મકતાનપર ગામે રહેતી ૧૮વર્ષીય રાધીકા પરબતભાઇ પાંચીયાને તેની માતા દ્વારા રસોઈ બનાવવા અંગે ઠપકો આપતા જે બાબતનું લાગી આવ્યું હતું. જેથી રાધિકાએ પોતાની જાતે ચૂંદડી વડે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. સમગ્ર બનાવ બાદ વાંકાનેર પોલીસને જાણ કરતા વાંકાનેર તાલુકા પોલીસે મૃત્યુના બનાવ મામલે અ.મોત રજીસ્ટર કરી આગળની ઘટિત કાર્યવાહી હાથ ધરી છે.