મોરબી જીલ્લામાં ગઈકાલ એક જ દિવસમાં ચાર અપમૃત્યુના બનાવની પોલીસ ચોપડે નોંધ કરવામાં આવી હતી, જેમાં મોરબી ગ્રામ્ય, માળીયા(મી), ટંકારા અને હળવદ એમ ચાર અલગ અલગ અપમૃત્યુમાં એક ૨૧ વર્ષીય યુવતી સહિત ચાર વ્યક્તિના અકાળે મૃત્યુ નિપજ્યા હતા.
પ્રથમ અપમૃત્યુના બનાવ અંગે મળતી વિગતો અનુસાર, મોરબી તાલુકાના ખરેડા ગામે રહેતા સુરેશભાઇ છગનભાઇ બજાણીયા ઉવ.૪૨ છેલ્લા છ સાત દિવસથી બિમાર હોઇ અને ભુખ્યા પેટે દવા (ટીકળી) લેતા હોય અને સમયસર જમતા પણ ન હોય તે દરમિયાન સુરેશભાઈને એકદમ ઉલ્ટીઓ થવા લાગતા અર્ધબેભાન અવસ્થામાં ગઇ તા.૦૧/૦૮ના રોજ મોરબી સરકારી હોસ્પિટલ ખાતે સારવારમાં દાખલ કરેલ અને બેભાન જેવા થઇ ગયેલ ત્યારે ચાલુ સારવાર દરમિયાન તા.૦૪/૦૮ના રોજ તેમનું મૃત્યુ નીપજ્યું હતું, હાલ તાલુકા પોલીસે અ. મોતની નોંધ કરી છે.
જ્યારે બીજા અપમૃત્યુના બનાવમાં, કેનાલના પાણીમાં ડૂબી જવાથી રાજસ્થાની શખ્સમુ મૃત્યુ નીપજ્યું હતું, જેમાં રાજસ્થાનના પાલી જીલ્લાના બેડા ગામના વતની સુરપાલસીંગ વીરસીંગ તનવર ઉવ.૨૨ ગઈ તા.૩/૮ ના બપોરના વખતે વાધરવા ગામની સીમમા આવેલ નવકાર કોર્પોરેશન કંપનીની પાછળના ભાગે આવેલ નર્મદા પાણીની કેનાલના ડુબી જતા તેની લાશ ૨૪ કલાક બાદ કેનાલના પાણીમાંથી મળતા અત્રેની માળીયા(મી)CHC હોસ્પિટલમા મરણ જનારના ભાઇ વિક્રમસીંગ તનવર લાવેલ હતા, ત્યારે પોલીસે મૃત્યુના બનાવ અંગે અ.મોતની નોંધ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.
અપમૃત્યુના ત્રીજા બનાવ અંગે મળતી માહિતી મુજબ, વિજયભાઇ સવજીભાઇ પાટડીયા ઉવ.૩૦ હાલ રહે.ટંકારા લક્ષ્મીનારાયણ સોસાયટી મુળ રહે-હાપા ખારી વિસ્તાર (સ્ટેશન) તા.જી.જામનગર વાળાએ ગઈ તા.૦૩/૦૮ના રોજ પોતાના રહેણાંક મકાનના બીજા માળે પોતાના રૂમના બંન્ને દરવાજા અંદરથી બંધ કરી પોતે પોતાની મેળે ગળેફાંસો ખાઇ જતા તેમનું મૃત્યુ નીપજ્યું હતું. ત્યારે મૃતકના નાનાભાઈ પાસેથી ટંકારા પોલીસે પ્રાથમિક વિગતો મેળવી મૃત્યુ અંગે નોંધ કરી આગળની તપાસ ચલાવી છે.
આ ઉપરાંત અપમૃત્યુના ચોથા બનાવ અંગે, હળવડની સરા ચોકડી પાસે વસંત પાર્ક સોસાયટીમાં રહેતા દિયાબેન જીગ્નેશભાઇ હડીયલ નામની ૨૧ વર્ષીય યુવતીને ગત તા.૨૩/૦૭ના રોજ પોતાના ઘરે હોય ત્યારે માથામા દુખાવો થતા પ્રથમ સારવાર હળવદ નારાયણ હોસ્પીટલમા બાદ વધુ સારવાર માટે મોરબી આયુષ હોસ્પીટલમા લઇ જતા તા.૨૭/૦૭/૨૦૨૫ ના રોજ ચાલુ સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું. હાલ મૃતકના પિતાએ આપેલ વિગતોને આધારે હળવદ પોલીસે અ. મોતની એન્ટ્રી કરી આગળની ઘટિત કાર્યવાહી હાથ ધરી છે