મોરબી જીલ્લામાં અલગ-અલગ સ્થળોએ ચાર અપમૃત્યુના બનાવો પોલીસ ચોપડે નોંધાયા છે. તેમાં બીમારી, અકસ્માત અને આત્મહત્યા જેવા બનાવોમાં ચાર વ્યક્તિ અકાળે મોતને ભેટ્યા હતા. ત્યારે સમગ્ર અપમૃત્યુ અંગે સંબંધિત પોલીસ મથકમાં પોલીસે અ.મોતની નોંધ કરી આગળની તપાસ ચલાવી છે.
મોરબી જીલ્લામાં ચાર અલગ અલગ અપમૃત્યુના બનાવો નોંધાતા ચકચાર મચી છે. પ્રથમ અપમૃત્યુના બનાવમાં હરેશભાઈ અમરશીભાઈ મોરડીયા ઉવ. ૫૪ રહે. રવાપર ઘુનડા રોડ લોટસ એપાર્ટમેન્ટ બી-૬ બ્લોક નં. ૧૦૧ વાળાને કેન્સરની ગંભીર બીમારી હોવાથી ગઈકાલ તા.૨૮ માર્ચે તેઓને ઘરે લોહીની ઉલ્ટી થતા તેમને સારવાર માટે મોરબી સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા.
અપમૃત્યુના બીજા બનાવમાં મોરબી તાલુકાના ઘુંટુ ગામની સીમમાં પ્રાણજીવનભાઈ વનુભાઈ પટેલની વાડીમાં કામ કરતી પાર્વતીબેન મુકેશભાઈ ડામોર રહે. ઘુંટુ ગામ તા. મોરબી વાળા થ્રેસર (હલર) મશીનમાં કામ કરતી વખતે અકસ્માતે માથું ફસાઈ જતા ઘટના સ્થળે જ તેમનું કમકમાટીભર્યું મોત થયું હતું.
જ્યારે ત્રીજા અપમૃત્યુના બનાવમાં હળવદ શહેરના શીવધારા બંગ્લોઝ ખાતે રહેતા દિવ્યાબા પૃથ્વીરાજસિંહ ચૌહાણ ઉવ.૨૮ મૂળ સુસવાવ ગામ તા. હળવદ વાળાએ ઘરેલુ કારણોસર પતિ સાથે થતા મનદુઃખને કારણે પોતાના નિવાસસ્થાને રૂમમાં પંખા સાથે સાડી બાંધી ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હોવાનું સામે આવ્યું છે.
આ ઉપરાંત ચોથા અપમૃત્યુના બનાવ અંગે પ્રાપ્ત વિગતો મુજબ માળીયા(મી) તાલુકાના વેણાસર ગામની સીમમાં નાથાભાઈની વાડીમાં રહેતા રાહુલભાઈ સમીરભાઈ મોહનીયા ઉવ.૨૩ મૂળ ધાબુગામ તા. ધાનપુર જી. દાહોદ વાળાએ કોઇ અગમ્ય કારણોસર ઝેરી દવા પી લીધી હતી. પ્રથમ સારવાર બાદ મોરબીમાં સારવાર દરમિયાન તેમનું મોત નિપજ્યું હતું. ત્યારે તમામ અપમૃત્યુના બનાવોમાં પોલીસે અ.મોતની નોંધ કરી આગળની તપાસની તજવીજ શરૂ કરી છે.









