મોરબી જીલ્લામાં ચાર અલગ-અલગ જગ્યાએ બનેલા અપમૃત્યુના બનાવોમાં ૭૫ વર્ષીય વૃદ્ધા, ૨૫ વર્ષીય યુવાન, ૪૧ વર્ષીય મજૂર અને ૫૫ વર્ષીય પુરુષના મોત થયા હતા. પોલીસે ચારેય બનાવોમાં અ.મોતની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
પ્રથમ અપમૃત્યુના બનાવની વિગતો મુજબ, મોરબી શહેરના રવાપર-ઘુનડા રોડ તુલસી એપાર્ટમેન્ટ ૭૦૪ ઉમિયાનગર-૨ માં રહેતા ૭૫ વર્ષીય વિજયાબેન તુલસીભાઈ દેત્રોજા નામના વૃદ્ધા ઘણા સમયથી ઢીચણના દુખાવાથી પીડાતા હતા જેથી કંટાળી પોતે ઝેરી દવા પી લેતા સારવાર દરમિયાન મોતને ભેટ્યા હતા.
અપમૃત્યુનો બીજો બનાવ ઉમા ટાઉનશીપ પાસે બન્યો હતો, જેમાં મેહુલભાઈ રસીકભાઈ જોગીયાણી ઉવ.૨૫ પોતાના રહેણાંક પાસે ઓટા પરથી પડી જતા માથામાં ગંભીર ઈજા થવાથી મોરબી સરકારી હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેમનું મરણ થયું હતું.
જ્યારે અપમૃત્યુનો ત્રીજો બનાવ મોરબી તાલુકાના નવા જાંબુડીયા ગામના શિવમ બોર્ડર ટાઇલ્સ ખાતે બન્યો હતો. અહીં કામ દરમ્યાન મડકામ ટોસે બિરુઆ ઉવ.૪૧ ઉંચાઈ પરથી પડી જતા ગંભીર ઈજા થતાં ક્રિષ્ના હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.
આ ઉપરાંત ચોથો બનાવ થોરાળા ગામ નજીક બન્યો હતો, જ્યાં અરજણભાઈ શીવાભાઈ કોળી ઉવ.૫૫ કોઈ કારણસર નાળામાં પડી જતાં પાણીમાં ડૂબી જતા તેમનું મૃત્યુ નીપજ્યું હતું.
અપમૃત્યુના ચારેય બનાવોમાં સંબંધિત પોલીસ સ્ટેશનો દ્વારા અ.મોતની નોંધ કરી આગળની તપાસ હાથ ધરી છે.