મોરબી એસઓજી પોલીસ ટીમે પૂર્વ બાતમીને આધારે વાંકાનેર તાલુકાના તરકીયા ગામે ઓળ નામની સીમમાં દરોડો પાડી સરકારી ખરાબામાં ખનીજ ચોરી કરવા વિસ્ફોટકોની મદદથી બ્લાસ્ટ કરવાની પેરવીમાં હોય ત્યારે પોલીસે દરોડો પાડતા સ્થળ ઉપરથી વિસ્ફોટકની ૪૧૮ જીલેટીન સ્ટીક કે જેમાં આશરે ૧૧૬૨ કિલો વિસ્ફોટક જથ્થો તથા વિસ્ફોટ કરવા ઇલેકટ્રોનિક ડિટોનેટર વાયર સહીત રૂ.૧.૨૮ લાખના મુદામાલ સાથે ચાર આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા છે. જયારે અન્ય બે આરોપીઓના નામ ખુલતા તેને ફરાર દર્શાવી કુલ ૬ આરોપીઓ સામે આઇપીસી કલમ તથા એક્સપ્લોઝીવ એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
મળતી માહિતી અનુસાર મોરબી એસઓજી પોલીસ ટીમને સંયુક્તમાં બાતમી મળેલ કે વાંકાનેર તાલુકાના તરકીયા ગામે ઓળ નામથી ઓળખાતી સીમમા મુન્નાભાઇ વલુભાઇ ભરવાડ રહે ગામ તરકીયા તા.વાંકાનેરવાળો પોતાના કબ્જામા ગેરકાયદેસર એકસપ્લોઝીવનો જથ્થો રાખી કોઇપણ જાતની મંજુરી વગર સરકારી ખરાબામા ખનીજનું ખનનની તૈયારી કરી રહેલ હોય જે મુજબની બાતમી મળતા જેથી વાંકાનેર વિભાગના નાયબ પોલીસ અધિક્ષક તેમજ એસઓજી ટીમ દ્વારા પોલીસ કાફલા તથા પંચો સહીત વાંકાનેરના તરકીયા ગામ નજીક સરકારી ખરાબામાં દરોડો પાડતા મુન્નાભાઇ વલુભાઇ બાંભવા રહે-તરકીયા તા.વાંકાનેર તથા પ્રદીપભાઇ આલકુભાઇ ધાધલ રહે મેસરીયા તા.વાંકાનેર તથા રવુભાઇ ઉર્ફે નાગરાજ ભીખુભાઇ સોનારા રહે જાનીવડલા તા.ચોટીલા તથા રણુભાઇ બાલાભાઇ બાંભવા રહે તરકીયા તા. વાંકાનેર વાળાઓને ૪૧૮ નંગ જીલેટીન સ્ટીક કે જેમાં એક સ્ટીકમાં ૨.૮૩ કિલો વિસ્ફોટક દારૂ હોય જેનું કુલ વજન ૧૧૬૧ કિલોના વિસ્ફોટક દારૂના પદાર્થનો જથ્થો જેની કુલ કિ.રૂ. ૯૨,૭૯૬/- તથા અલગ અલગ લંબાઇના ઇલેકટ્રોનીક ડીટોનેટર (DTH વાયર) નંગ- ૫૦ કિ.રૂ ૭૪૪૦/- તથા TLD વાયર નંગ-૯૦ કિ.રૂ. ૩૬૦૦/- તથા મોબાઇલ ફોન નંગ-૫ કિ.રૂ. ૨૫,૦૦૦/- મળી કુલ રૂ. ૧,૨૮,૮૩૬/- ના મુદ્દામાલ સાથે મળી આવતા ચારેય ઈસમોની સ્થળ ઉપરથી ધરપકડ કરવામાં આવી હતી.
વધુમાં વાંકાનેર તાલુકાના તરકીયા ગામના સરકારી ખરાબાના સર્વે નં-૧૬૩/૧ પૈકી ૨૪ વાળી જમીનમાં પથ્થરો કાઢવા આશરે ૫૭ જેટલા બોર કરેલ જે ૪૫ ફુટ ઉંડા કરી તે પૈકીના ૧૪ બોરમાં જીલેટીન સ્ટીક તથા ડીટોનેટર પ્લાન્ટ કરી તૈયાર રાખેલ હોય જયારે આ તમામ ખનીજ ખનનમાં અન્ય આરોપી લોમકુભાઇ માનસીભાઇ ખાચર રહે, મેસરીયા તા.વાંકાનેર જી.મોરબી. તથા દેવાયતભાઇ ડાંગર રહે.બેટી તા.જી.મોરબી તથા તપાસમા ખુલે તે આરોપીઓ હાજર મળી આવેલ ન હોય જેથી તેઓને ફરાર દર્શાવી તમામ આરોપીઓ વિરુદ્ધ વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ગુનો નોંધી આગળની વધુ તપાસની તજવીજ હાથ ધરી છે.